આ વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ભાગ લેવા અંગેનો ડ્રામા અટક્યો નથી. આ મામલે પાકિસ્તાન તરફથી દરરોજ કોઈને કોઈ વિવાદાસ્પદ નિવેદન સામે આવે છે. હવે રવિવારે પાકિસ્તાનના ખેલ મંત્રી એહસાન મજારીએ ભારતને ધમકી આપતા કહ્યું છે કે, જો ભારતીય ટીમ એશિયા કપ માટે તેમના દેશમાં નહીં આવે તો તેઓ પણ પોતાની ટીમને વર્લ્ડ કપ માટે ભારત નહીં મોકલે. ખેલ મંત્રીએ કહ્યું છે કે આવી સ્થિતિમાં તે વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેશે.
ખેલ મંત્રીનું આ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના વિશેષ પગલા બાદ આવ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાને ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં તેમની ક્રિકેટ ટીમના ભાગ લેવા અંગે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ નક્કી કરશે કે પાકિસ્તાનની ટીમ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાનાર વર્લ્ડ કપ માટે ભારત આવશે કે નહીં. આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમવાની છે.
શરીફ દ્વારા રચવામાં આવેલી સમિતિમાં વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી અને અહેસાન સહિત 11 મંત્રીઓ સામેલ છે. પોતાની વાત રાખતા એહસાને કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તેમના વિભાગ હેઠળ આવે છે, તેથી જો ભારત એશિયા કપની મેચો તટસ્થ સ્થળોએ રમવાની માંગ કરે છે, તો પાકિસ્તાને પણ ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ માટે પણ આવી જ માંગણી કરવી પડશે. રમતગમત મંત્રીએ કહ્યું કે સમિતિ આખા મુદ્દા પર ચર્ચા કરશે અને પછી વડાપ્રધાનને તેના સૂચનો આપશે. જે બાદ તે અંતિમ નિર્ણય લેશે.
એહસાને કહ્યું કે ભુટ્ટોની આગેવાની હેઠળની સમિતિ આવતા સપ્તાહ સુધીમાં વડાપ્રધાનને પોતાનો રિપોર્ટ સોંપશે. આ દરમિયાન પીસીબીના નવા અધ્યક્ષ ઝકા અશરફ દક્ષિણ આફ્રિકામાં ICCની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે, જેમાં BCCIના સચિવ જય શાહ પણ હાજર રહેશે. BCCIના સચિવ જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ પણ છે. આ બેઠકમાં એશિયા કપ અને વર્લ્ડ કપ અંગે ચર્ચા થઈ શકે છે.
એશિયા કપની તારીખો જાહેર કરી દેવામાં આવી છે પરંતુ સંપૂર્ણ શેડ્યૂલ હજુ આવ્યો નથી. PCBની સાથે ACC દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર એશિયા કપ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી પાકિસ્તાન અને શ્રીલંકા સંયુક્ત રીતે રમશે. એશિયા કપની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે. એહસાને કહ્યું કે પીસીબીના પૂર્વ અધ્યક્ષ નજમ સેઠીના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલો આ નિર્ણય તેમને પસંદ નથી આવ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાન યજમાન છે અને તેણે તમામ મેચો પોતાના દેશમાં જ યોજવી જોઈએ.
એહસાને ભારત સરકાર પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તે ક્રિકેટમાં રાજનીતિ લાવી રહી છે. એહસાને કહ્યું કે તે સમજી શકતા નથી કે ભારત સરકાર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન કેમ મોકલવા નથી માંગતી. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલા ભારતની બેઝબોલ ટીમ ઈસ્લામાબાદ આવી હતી અને બ્રિજની ટીમ પણ પાકિસ્તાનની મુલાકાતે આવી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનની ફૂટબોલ, હોકી અને ચેસની ટીમ પણ ભારતની મુલાકાતે આવી છે.
પાકિસ્તાન એશિયા કપની યજમાની કરી રહ્યું છે પરંતુ બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે તે આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન નહીં મોકલે. આ પછી બીસીસીઆઈએ એશિયા કપને પાકિસ્તાનમાંથી બહાર કરાવવાનું કહ્યું હતું. પરંતુ પાકિસ્તાન આ માટે તૈયાર નહોતું. તેણે કહ્યું હતું કે જો ભારત એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો તે વર્લ્ડ કપ માટે પણ ભારત નહીં જાય.
પાકિસ્તાને ફરી કહ્યું હતું કે, તે ભારતની મેચો પાકિસ્તાનની બહાર અને બાકીની મેચો પાકિસ્તાનમાં જ કરાવી શકે છે. આ અંગે ઘણી ચર્ચા થઈ હતી અને ત્યારબાદ ACCએ પાકિસ્તાનને ચાર મેચ ઘરઆંગણે અને બાકીની મેચો શ્રીલંકામાં યોજવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે પાકિસ્તાન ફરીથી વર્લ્ડ કપ માટે નહીં આવવાની વાત કરી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો