પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારતમાં વનડે વિશ્વ કપ દરમિયાન કોઇક વિશેષ સ્થળો પર કોઇક ટીમો સામે રમવાને લઇને તૈયાર નથી જેમાં અફઘાનિસ્તાન સામે ચેન્નઇમાં અને ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરૂમાં રમવાનું સામેલ છે. એશિયા કપના આયોજનને લઇને સમસ્યાઓનો અંત આવ્યો છે અને પાકિસ્તાન ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વિશ્વ કપ માટે ભારતની મુલાકાતે આવે તેવી આશા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં હાઇ વોલટેજ મુકાબલો થવાની શક્યતા છે.
વિશ્વ કપના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ (ICC)એ પ્રસ્તાવિત કાર્યક્રમ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સહિત તમામ સભ્ય બોર્ડ પાસેથી સૂચનો માંગ્યા છે. પીટીઆઇના અહેવાલ મુજબ પાકિસ્તાનને ચેન્નઇમાં અફઘાનિસ્તાન સામે અને બેંગલુરૂમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાને લઇને વાંધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ ટીમનો અસ્થાઇ કાર્યક્રમ સિલેક્ટર અને ક્રિકેટ એક્સપર્ટને મોકલ્યો છે જેમને સંભવિત પાકિસ્તાન ટીમની થોડીક મેચને લઇને વાંધો છે.
ચેન્નઈની સ્પિન-ફ્રેન્ડલી પીચ પર અફઘાનિસ્તાન સામે રમવાનો અર્થ એ છે કે પાકિસ્તાનને રશીદ ખાન અને નૂર અહેમદ જેવા સ્પિનરો સામે રમવું પડશે, જેમણે આઇપીએલ 2023માં 16મી સીઝન દરમિયાન ગુજરાત ટાઇટન્સ માટે સારું પ્રદર્શન કર્યું હતું.
બેંગલુરૂની પીચ બેટ્સમેન માટે અનુકુળ માનવામાં આવે છે અને પીચ હાઇ સ્કોરિંગ રહી છે એવામાં પાકિસ્તાનને ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા પર વાંધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે સિલેક્ટર્સે બોર્ડને સૂચન આપ્યું છે કે અફઘાનિસ્તાન સામે ચેન્નઈને સ્થળ તરીકે સ્વીકારવામાં ન આવે કારણ કે તે એક સ્ટેડિયમ છે જે ઐતિહાસિક અને આંકડાકીય રીતે સ્પિનરો માટે અનુકૂળ છે.
પીટીઆઇના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન બોર્ડને સૂચન આપવામાં આવ્યુ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડને પાકિસ્તાનની મેચોને ફરીથી શેડ્યૂલ કરવા કહેવું અને અફઘાનિસ્તાન સામે મેચ બેંગલુરુમાં અને ઓસ્ટ્રેલિયા સામે મેચ ચેન્નઈમાં ટીમની તાકાત અનુસાર આયોજિત કરાવી.નોંધપાત્ર છે કે ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતુ કે આઇસીસી બીજા ક્રિકેટ દેશો પાસે સૂચન માંગતી હોય છે જે એક પ્રોટોકોલ છે અને આયોજન સ્થળમાં ફેરફાર માટે માન્ય કારણ હોવું જોઇએ.
ભારત સામે વિશ્વ કપની મેચ અમદાવાદમાં રમવાને લઇને પાકિસ્તાન લગભગ તૈયાર છે પણ પીસીબી સૂત્રએ જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય સરકાર કરશે. પાકિસ્તાને વિશ્વ કપ 2023ની શરૂઆતની બે મેચ હૈદરાબાદમાં 6 અને 12 ઓક્ટોબરે રમવાની છે. પાકિસ્તાનની મેચ આ સિવાય ચેન્નઇ, કોલકત્તા, બેંગલુરૂ અને અમદાવાદમાં રમાવાની આશા છે.