મુંબઈ (Mumbai Cricket Team) ક્રિકેટ ટીમને સ્થાનિક ક્રિકેટમાં સૌથી મજબૂત ટીમ માનવામાં આવે છે. આ ટીમે સૌથી વધુ રણજી ટ્રોફી ટાઈટલ જીત્યા છે. આ વખતની ટીમને એટલી મજબૂત માનવામાં આવતી ન હતી, પરંતુ દરેક વાતને ફગાવીને યુવા સ્ટાર્સથી સજેલી મુંબઈ ક્રિકેટ ટીમે રણજી ટ્રોફી-2022ની (Ranji Trophy-2022) ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિફાઇનલમાં તેની મેચ ઉત્તર પ્રદેશ સામે હતી. આ મેચ ડ્રો રહી અને પહેલી ઇનિંગની લીડના આધારે મુંબઈને ફાઇનલમાં સ્થાન મળ્યું અને હવે તેનો સામનો મધ્ય પ્રદેશ સાથે થશે. આ ટીમે 23 વર્ષ બાદ ફાઇનલમાં જગ્યા બનાવી છે. મુંબઈની આ જીતનો હીરો યશસ્વી જયસ્વાલ હતો. આ યુવા ડાબોડી બેટ્સમેને આ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી.
મુંબઈએ પહેલી ઇનિંગમાં 393 રન બનાવ્યા હતા. આ સ્કોરનાં જવાબમાં ઉત્તર પ્રદેશની ટીમ 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ બીજી ઇનિંગમાં 213 રનની લીડથી આગળ હતી. બીજી ઇનિંગમાં, તેમના બેટ્સમેનોએ ફરીથી કમાલ કરી અને મેચના છેલ્લા દિવસે શનિવારે તેનો બીજી ઇનિંગમાં ચાર વિકેટના નુકસાને 533 રન પર જાહેર કરવામાં આવી હતી. આ સાથે મુંબઈએ 47મી વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે.
રાજસ્થાન રોયલ્સ માટે IPL-2022ની અંતિમ મેચોમાં જોરદાર બેટિંગ કરનાર યશસ્વીએ આ મેચમાં સારી બેટિંગ કરી હતી અને બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. તેણે પહેલી ઈનિંગમાં 100 રન બનાવ્યા હતા અને તેણે બીજી ઇનિંગમાં 181 રન બનાવ્યા. આ ઇનિંગમાં યશસ્વીએ 372 બોલનો સામનો કર્યો અને 23 ચોગ્ગા ઉપરાંત એક સિક્સર પણ ફટકારી. તેના સિવાય અરમાન જાફરે 127 રનની ઇનિંગ રમી હતી.
જાફરે 259 બોલનો સામનો કરીને 15 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. સરફરાઝ ખાન 59 અને શમ્સ મુલાની 51 રન બનાવીને અણનમ રહ્યા હતા. યશસ્વી સિવાય હાર્દિક તોમરે પહેલી ઈનિંગમાં 115 રનની ઇનિંગ રમી હતી. મુલાનીએ 50 રન બનાવ્યા હતા. સરફરાઝે 40 રનની ઇનિંગ રમી હતી.
મુંબઈએ ચોથા દિવસના અંતે ચાર વિકેટના નુકસાન પર 449 રન બનાવ્યા હતા. આ સ્કોર સાથે મુંબઈએ પાંચમા દિવસે તેની ઇનિંગ લંબાવી હતી. સરફરાઝે 23 રનથી ઈનિંગની આગળ વધી તેની અડધી સદી પૂરી કરી હતી અને મુલાનીએ 10 રનથી આગળ વધીને અડધી સદી ફટકારી હતી. ઉત્તર પ્રદેશની બીજી ઇનિંગમાં રાજકુમાર યાદવે બે વિકેટ લીધી હતી. શિવમ માવી અને સૌરભ કુમારે એક-એક વિકેટ લીધી હતી.