IPL 2023 ની ક્વોલિફાયર-2 મેચ અમદાવાદમાં શુક્રવારે રમાઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL Final માં પહોંચવા માટેની ટક્કર થનારી છે. શુક્રવારે જીતનારી ટીમ રવિવારે અમદાવાદમાં જ ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. ગુજરાત અને મુંબઈ ફાઈનલમાં પહોંચવા માટે પુરો દમ લગાવશે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. ટીમ સૌથી પ્રથમ પ્લેઓફમાં પહોંચી હતી અને હવે ફાઈનલથી માત્ર એક ડગલુ દૂર છે. હાર્દિક સેનાના જુસ્સા સામે મુંબઈએ સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને બોલર તીકડીથી સાવધાન રહેવુ પડશે.
ગુજરાત ટાઈટન્સે સિઝનમાં બોલિંગ અને બેટિંગ બંને વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. બેટિંગ શરુઆત શુભમન ગિલ શાનદાર કરાવી રહ્યો છે. ગિલે 4 અડધી સદી અને 2 સદી સાથે 722 રન સિઝનમાં નોંધાવ્યા છે. આમ સિઝનમાં ગિલ હરીફ ટીમો માટે ભારે રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને લીગ તબક્કામાંથી જ બહારનો રસ્તો દેખાડવામાં મહત્વનૂ ભૂમિકા ગિલની સદીએ અંતિમ લીગમેચમાં ભજવી હતી.
અમદાવાદમાં ફરી ગુજરાતના આ ત્રણ બોલર પોતાનો દમ દેખાડશે. મુંબઈ સામે રાશિદ ખાન, નૂર અહેમદ અને મોહમ્મદ શમી ફરી પોતાની તાકાત દેખાડશે. આ ત્રણેય બોલર સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આ ત્રણેય બોલરની 12 ઓવર પાર કરી લીધી તો, મુંબઈ માટે રાહત હશે. આ ત્રણેયની ઓવરમાં મુંબઈએ રન નિકાળવા જરુરી છે. તો બીજી તરફ આ ત્રણેય બોલરો રોહિત સેના માટે મોટી મુશ્કેલી સર્જવા માટે પુરી ક્ષમતા ધરાવે છે.
ઝડપી બોલર શમી સિઝનમાં 15 મેચ રમીને 26 વિકેટ પોતાના ખાતામાં નોંધાવી ચૂક્યો છે. શમી પર્પલ કેપ ધરાવે છે, એટલે કે સિઝનમાં સૌથી વધારે વિકેટ તેના નામે છે. બીજા સ્થાન પર અફઘાન સ્ટાર બોલર રાશિદ ખાન છે. રાશિદ 25 વિકેટ ધરાવે છે. આમ ગુજરાતના બંને સ્ટાર બોલર 51 વિકેટ ધરાવે છે. નૂર અહેમદ 11 મેચ સિઝનમાં રમ્યો છે અને 14 વિકેટ ઝડપી છે. આ ત્રણેય બોલર હાલમાં ખતરનાક જોવા મળી રહ્યા છે. આ ત્રણેય વિકેટ માત્ર નથી ઝડપતા હરીફ ટીમના સ્કોર બોર્ડને નિયંત્રણમાં રાખે છે. શમીની જ વાત કરવામાં આવે તો, તેણે અત્યાર સુધીમાં સિઝનમાં 182 ડોટ બોલ કર્યા છે.
બંને વચ્ચે સિઝનમાં અગાઉ બે વાર ટક્કર થઈ ચુકી છે. જેમાં પ્રથમ મેચમાં ગુજરાતે અને બીજી મેચમાં મુંબઈએ જીત મેળવી હતી. મુંબઈએ અંતિમ મેચમાં 5 વિકેટ ગુમાવી હતી, જેમાં અફઘાન સ્ટાર રાશિદ ખાને ઈશાન કિશન, રોહિત શર્મા, નેહલ વાઢેરા અને ટિમ ડેવિડની 4 વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રથમ ટક્કરમાં ગુજરાતે તેના બોલરોના દમ પર મુંબઈ પર 55 રને વિજય મેળવ્યો હતો. 219 રનના ટાર્ગેટના જવાબમાં ગુજરાતના બોલરોએ મુંબઈને 20 ઓવરમાં 152 રનમાં જ રોકી દીધું હતું. રાશિદે ઈશાન કિશન, તિલક વર્માનો શિકાર કર્યો હતો જ્યારે મુંબઈના સૌથી મોંઘા ખેલાડી કેમરન ગ્રીન, વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડને નૂર અહેમદે પેવેલિયનમાં મોકલ્યા હતા.
Published On - 11:09 am, Fri, 26 May 23