Saurashtra Premier League: કચ્છ વોરિયર્સ 36 રને મેચ જીતી લીધી, સમર્થ વ્યાસની આક્રમક સદી

Rajkot : કચ્છ વોરિયર્સ (Kutch Warriors) ટીમે ઝાલાવાડ રોયલ્સ (Zalawad Royals) ટીમને માત આપીને આ સિઝનમાં પોતાની પહેલી જીત મેળવી હતી. આ પહેલા કચ્છની ટીમે 2 મેચમાં હારનો સામનો કર્યો હતો.

Saurashtra Premier League: કચ્છ વોરિયર્સ 36 રને મેચ જીતી લીધી, સમર્થ વ્યાસની આક્રમક સદી
Samarth Vyas Smash Century (PC: Saurashtra Cricket)
| Edited By: | Updated on: Jun 08, 2022 | 11:48 AM

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (Saurashtra Premier League) ની બીજી સિઝનમાં કચ્છ વોરિયર્સ (Kutch Warriors) ટીમે શાનદાર પ્રદર્શન કરતા સિઝનમાં પહેલી જીત મેળવી હતી. પહેલા બેટિંગ કરતા કચ્છ વોરિયર્સ ટીમના સમર્થ વ્યાસના આક્રમક અણનમ 102 રનની મદદથી ટીમે 189 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ઝાલાવાડ રોયલ્સ ટીમે 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 152 રન જ કરી શકી હતી અને કચ્છ વોરિયર્સ ટીમે 36 રને મેચ જીતી હતી.

કચ્છ ટીમના સમર્થ વ્યાસની આક્રમક સદી

ઝાલાવાડ રોયલ્સ ટીમે ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ પહેલા બેટિંગ કરવા આવેલ કચ્છ વોરિયર્સ ટીમની શરૂઆત સારી રહી ન હતી અને ઓપનર ક્રિશ્નકાંત પાઠક (14 રન) અને હાર્વિક દેશાઇ (6 રન) અને દેવ આનંદ (7 રન) સસ્તામાં આઉટ થઇ ગયા હતા. ત્યાર બાદ સમર્થ વ્યાસ અને આલોક રંજને આક્રમક બેટિંગ કરતા કચ્છ વોરિયર્સ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યા હતા.

સમર્થ વ્યાસે 59 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી આક્રમક ઇનિંગ રમી હતી અને અણનમ 102* રન કર્યા હતા. તો આલોક રંજને પણ તેનો સુંદર સાથ આપ્યો હતો અને 27 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી ઝડપી 36 રન કર્યા હતા. આમ પુરી ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 189 રનનો સ્કોર ખડો કર્યો હતો. ઝાલાવાડ રોયલ્સ ટીમ તરફથી સમર ગજ્જરે 2 વિકેટ ઝડપી હતી. સમર્થ વ્યાસની આ ઇનિંગ આ સિઝનની સૌથી હાઇએસ્ટ સ્કોર સાબિત થઇ હતી.

 

ઝાલાવાડ રોયલ્સની શરૂઆત ખરાબ રહી

જવાબમાં મેદાન પર ઉતરેલી ઝાલાવાડ રોયલ્સ (Zalawad Royals) ટીમની શરૂઆત પણ સારી રહી ન હતી. ઓપનર એઝાઝ કોઠારિયા 3 રનના સ્કોર પર આઉટ થઇ ગયો ગતો. ત્યાર બાદ હેત્વિક કોટક, સુકાની શેલ્ડન જેક્સન અને જય ગોહિલે શાનદાર ઇનિંગ રમી હતી. સુકાની શેલ્ડન જેક્સને આક્રમક ઇનિંગ રમતા 44 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી અને 50 રનના સ્કોર પર આઉટ થયો હતો. હેત્વિક કોટકે 23 રન અને જય ગોહિલે 32 બોલમાં 39 રનનો સ્કોર કર્યો હતો. પણ કચ્છ વોરિયર્સ ટીમના બોલર્સ સામે ઝાલાવાડ રોયલ્સની ટીમના બેટ્સમેનો ટકી શક્યા ન હતા અને 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 153 રન જ કરી શક્યા હતા. કચ્છ વોરિયર્સ ટીમ તરફથી કુશાંગ પટેલ અને રમેશ પડિયાચીએ 2-2 વિકેટ ઝડપી હતી.