BCCI એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ (BCCI Contracts) ની જાહેરાત કરી છે. આ ડીલમાં કેટલાક મોટા ફેરફાર છે. બીસીસીઆઈએ ઘણા ખેલાડીઓના ખિસ્સા પર કાતર ચલાવવાનું કામ કર્યું છે. ઘણા ખેલાડીઓ નિરાશ થયા હતા, પરંતુ સૌથી વધારે તે બે ખેલાડીઓનુ દિલ ભાંગી ગયું હશે, જેમને બીસીસીઆઈએ હવે સી-ગ્રેડના ખેલાડી પણ ગણ્યા નથી. મતલબ કે તે ખેલાડીઓ હવે બીસીસીઆઈના કરારનો ભાગ નથી. અમે વાત કરી રહ્યા છીએ ભારતીય સ્પિનર કુલદીપ યાદવ (Kuldeep Yadav) અને ફાસ્ટ બોલર નવદીપ સૈની (Navdeep Saini) ની. ભારતીય બોર્ડે આ બંને ખેલાડીઓને એક રીતે હટાવી દીધા છે.
કુલદીપ યાદવ અને નવદીપ સૈની બંને બીસીસીઆઈના અગાઉના કરાર હેઠળ ગ્રુપ સી ગ્રેડના ખેલાડી હતા. પરંતુ, નવા કરારમાં હવે આ ગ્રેડમાંથી બંનેના નામની બાદબાકી કરવામાં આવી છે. આ કારણે હવે આ બંને ખેલાડીઓને બોર્ડ તરફથી વાર્ષિક 1 કરોડ રૂપિયા પણ નહીં મળે.
બીસીસીઆઈના કરાર મુજબ A+ ખેલાડીઓને વાર્ષિક રૂ. 7 કરોડ મળે છે જ્યારે A ગ્રેડના ખેલાડીઓને રૂ. 5 કરોડ મળે છે. ગ્રેડ-બી અને સીના ખેલાડીઓને અનુક્રમે 3 કરોડ અને 1 કરોડ રૂપિયા મળે છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે તેના અગાઉના કોન્ટ્રાક્ટમાં 28 ક્રિકેટરોને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, પરંતુ આ વખતે માત્ર 27 ક્રિકેટરોને જ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં સ્થાન આપવામાં આવ્યુ છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ પણ નવા કોન્ટ્રાક્ટમાં ‘A+’માં રહેશે. જ્યારે પૂજારા, રહાણે અને ઈશાંત શર્માને ખરાબ ફોર્મના કારણે હવે ગ્રેડ Bમાં શિફ્ટ કરવામાં આવ્યા છે જે પહેલા A ગ્રેડમાં હતા. આ ખેલાડીઓને ટેસ્ટ ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યા હતા.
અગાઉના કરારમાં A ગ્રેડમાં 10 ખેલાડીઓ હતા જે આ વખતે ઘટાડીને પાંચ કરવામાં આવ્યા છે. રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત, લોકેશ રાહુલ અને મોહમ્મદ શમીએ ગ્રેડ Aમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સાહાને પણ ડિમોટ કરીને ગ્રુપ બીથી સીમાં મૂકવામાં આવ્યા છે.
Published On - 9:14 am, Thu, 3 March 22