SMAT 2026: ક્રુણાલ પંડ્યા સાથે મેદાન પર શરમજનક ઘટના, ચાહકે ફેંક્યું જૂતું, વીડિયો થયો વાયરલ

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 દરમિયાન ક્રુણાલ પંડ્યા પર ચાહકે જૂતું ફેંક્યું. બરોડા-ઝારખંડ મેચ બાદ બનેલી આ ઘટનાથી ક્રુણાલ ચોંકી ગયો, પણ પછી સંભાળી લીધું.

SMAT 2026: ક્રુણાલ પંડ્યા સાથે મેદાન પર શરમજનક ઘટના, ચાહકે ફેંક્યું જૂતું, વીડિયો થયો વાયરલ
| Updated on: Nov 26, 2026 | 6:38 PM

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 દરમિયાન ભારતીય ક્રિકેટર અને બરોડા ટીમના કેપ્ટન ક્રુણાલ પંડ્યા સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. બરોડા અને ઝારખંડ વચ્ચે રમાયેલી મેચ બાદ એક ચાહકે ક્રુણાલ પંડ્યા પર જૂતું ફેંક્યું હતું. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ ઘટનામાં ક્રુણાલને કોઈ ઈજા થઈ ન હતી. શરૂઆતમાં તેણે ગુસ્સો વ્યક્ત કર્યો હતો, પરંતુ ત્યારબાદ સ્વસ્થતા જાળવી અન્ય ચાહકોને ઓટોગ્રાફ આપવાનું ચાલુ રાખ્યું હતું.

ઓટોગ્રાફ આપવા પહોંચેલા ક્રુણાલ પર ચાહકે ફેંક્યું જૂતું

બરોડાની ટીમે ક્રુણાલ પંડ્યાની કેપ્ટનશિપમાં ઝારખંડ સામે 5 વિકેટે જીત મેળવી હતી. મેચ પૂર્ણ થયા બાદ ક્રુણાલ પંડ્યા બાઉન્ડ્રી પાસે ઊભેલા ચાહકોને મળવા અને ઓટોગ્રાફ આપવા પહોંચ્યો હતો. આ દરમિયાન ભીડમાંથી એક ચાહકે તેની તરફ જૂતું ફેંક્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી ક્રુણાલ પણ ચોંકી ગયો હતો અને તેણે જૂતું પકડવાનો પ્રયાસ કર્યો હતો.

આટલેથી મામલો અટક્યો નહોતો. થોડી જ ક્ષણોમાં ચાહક તરફથી બીજું જૂતું પણ ક્રુણાલની દિશામાં ફેંકવામાં આવ્યું હતું. જોકે, આ વખતે તે બચી ગયો હતો. ઘટનાથી નારાજ થયેલા ક્રુણાલે જૂતું ફેંકનાર ચાહક તરફ આંગળી ચીંધીને તેને ચેતવણી આપી હતી. જોકે, થોડા સમય બાદ તેણે પોતાને સંભાળ્યો હતો અને ત્યાં હાજર અન્ય ચાહકોને ઓટોગ્રાફ આપવાનું ચાલુ રાખ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

ક્રુણાલ પંડ્યાની કેપ્ટનશિપમાં બરોડાનું શાનદાર પ્રદર્શન

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026માં ક્રુણાલ પંડ્યાની આગેવાની હેઠળ બરોડાની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી છ મેચમાંથી બરોડાએ પાંચમાં જીત મેળવી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ટીમે પોતાની શરૂઆતની મેચમાં ચંદીગઢ સામે હારનો સામનો કર્યો હતો. જોકે, ત્યારબાદ બરોડાએ સતત પાંચ મેચ જીતીને જોરદાર વાપસી કરી છે. ટીમ હાલમાં 20 પોઈન્ટ સાથે પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત, બરોડાનો નેટ રન રેટ +2.207 છે, જે ટુર્નામેન્ટમાં ટીમના દબદબાને દર્શાવે છે.

આમ, એક તરફ ક્રુણાલ પંડ્યાની કેપ્ટનશિપમાં બરોડા મેદાન પર શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે, તો બીજી તરફ મેચ બાદ બનેલી આ ઘટનાએ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

શું છે હેગલી ઓવલ માં ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ , ફેન્સ જાણીને ચોંકી જશે

Follow Us
Loading...
Unable to load recommendations.