
IPL 2022 ની 35મી મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ (Kolkata Knight Riders vs Gujarat Titans) વચ્ચે રમાઈ હતી. ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ગુજરાતે પ્રથમ બેટીંગ કરતા 9 વિકેટ ગુમાવીને 156 રનનો સ્કોર નોંધાવ્યો હતો. હાર્દિક પંડ્યાએ અડધી સદી નોંધાવી હતી. જવાબમાં કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 148 રન કર્યા હતા. આમ ગુજરાતની ટીમે 8 રન થી મેચને જીતી લીધી હતી. આંદ્રે રસેલ (Andre Russell) અને રિંકૂ સિંહે મેચને અંતમાં રોમાંચક મોડમાં લાવી દીધી હતી. જોકે અલઝારી જોસેફે રસેલની વિકેટ ઝડપી મેચ ગુજરાતના પક્ષમાં કરી લીધી હતી.
જવાબમાં કોલકાતાના બેટ્સમેનોને ગુજરાતના બોલરોએ શરુઆત સારી થવા દીધી નહોતી. મોહમ્મદ શામીએ બંને ઓપનરોને સસ્તામાં આઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યા હતા. કેકેઆરના ઓપનર સેમ બિલીંગ્સ (4) અને સુનિલ નરેન (5) બંનેની વિકેટ 10 રનના સ્કોર સુધીમાં જ ગુમાવી દીધી હતી. બિલિંગ્સ પ્રથમ ઓવર અને નરેન ત્રીજી ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યો હતો.
જોકે મેચને આંદ્રે રસેલે રોમાંચક મોડમાં લાવી દીધી હતી. રિંકુ સિંહ અને રસેલ બંને એ શાનદાર રમત વડે ગુજરાતની ચિંતા વધારી દીધી હતી. બંને ટીમને લક્ષ્યની નજીક પહોંચાડી દીધી હતી. જોકે આંદ્રે રસેલની વિકેટ 145 ના સ્કોર પર જ અલઝારી જોસેફે ઝડપી લેતા મેચનુ પાસુ પલટાઈ ગયુ હતુ. રસેલે 25 બોલમાં 48 રન 6 છગ્ગાની મદદ થી નોંધાવ્યા હતા. રિન્કુ સિંહે 28 બોલમાં 35 રન કર્યા હતા.
શામીએ 4 ઓવરના સ્પેલમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે યશ દયાલે 4 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ ઝડપવામાં સફળતા મેળવી હતી. અલઝારી જોસેફ અને લોકી ફરગ્યુશને એક એક વિકેટ ઝડપી હતી.
ગુજરાત ટીમની ઓપનીંગ જોડી નિષ્ફળ રહી હતી. શુભમન ગિલના રુપમાં પ્રથમ વિકેટ માત્ર 8 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ કેપ્ટન હાર્દિક અને રિદ્ધીમાન સાહા (25) એ સ્થિતી સંભાળી લઈને 83 રનના સ્કોર સુધી જોડી જમાવી રાખી હતી. હાર્દિકે 49 બોલમાં 67 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. મિલરે 27 અને રાહુલ તેવટીયાએ 17 રન જોડ્યા હતા.
આંદ્રે રસેલે ગુજરાત ટીમના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. તેણે એક જ ઓવરમાં 4 વિકેટ માત્ર 5 રન આપીને ઝડપી હતી. ટિમ સાઉથીએ ગુજરાતની ટીમના 3 શિકાર ઝડપ્યા હતા. જ્યારે ઉમેશ યાદવ અને શિવમ માવીએ એક એક વિકેટ ઝડપી હતી.
Published On - 7:29 pm, Sat, 23 April 22