જ્યારથી જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) ના યુવા બોલર ઉમરાન મલિકે (Umran Malik) IPL 2021 માં પગ મૂક્યો છે, ત્યારથી તે સતત પોતાની રમતથી દરેકને પ્રભાવિત કરી રહ્યો છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે આઈપીએલમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેની પહેલી મેચથી જ તેણે કહી દીધુ કે, તેનો બોલ ઝડપથી વાત કરે છે. તેની ઝડપ કોઈપણ બેટ્સમેનને સ્તબ્ધ કરવા માટે પૂરતી છે. હવે ફરી એકવાર તેણે પોતાની ગતિ મારફતે આઇપીએલમાં તોફાન સર્જ્યું છે.
મલિક બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમી રહ્યો હતો અને આ સાથે જ તેણે બીજો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મલિકે બેંગ્લોર સામે ની મેચમાં તીવ્ર ગતીએ બોલ ને ફેંક્યો હતો. તેણે 153 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આ સાથે જ તે IPL-2021 માં સૌથી ઝડપી બોલિંગ કરનાર બોલર બની ગયો છે. તેણે આ મામલે ઘણા શ્રેષ્ઠ બોલરોને પાછળ છોડી દીધા છે.
ઉમરાન મલિકે આરસીબી સામે બોલીંગ કરતા તેણે બેટ્સમેનો પરેશાન કરી મુક્યા હતા. તેની શરુઆતની 3 ઓવર સુધી તેના બોલ પર રન લેવા મુશ્કેલ બનાવી દીધા હતા. તેણે શરુઆતની એક ઓવરમાં તો પહેલો બોલ 147, બીજો બોલ 151, ત્રીજો બોલ 152 અને ચોથો બોલ 153 ની ઝડપે ફેંક્યો હતો. આમ તેણે એક બાદ એક વધુ ઝડપી બોલ નાંખતા આરસીબીના બેટ્સમેનોને રીતસર દબાણમાં જોઇ શકાતા હતા.
મલિક પહેલા આ સિઝનમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ કોલકાતા નાઇટ રાઇડર્સના લોકી ફર્ગ્યુસનના નામે હતો. ફર્ગ્યુસને 152.75 કિલોમીટરની ઝડપે બોલ ફેંક્યો. પરંતુ મલિકે તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ફર્ગ્યુસને આ સિઝનમાં 152.74 કિમીની ઝડપે પણ બોલ ફેંક્યો હતો. મલિકે
આ પહેલા પોતાની ડેબ્યૂ મેચમાં પણ એક રેકોર્ડ બનાવ્યો હતો. પોતાની પ્રથમ આઈપીએલ મેચમાં તેણે 150 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલ ફેંક્યો હતો. આ સાથે તે આઈપીએલમાં સૌથી ઝડપી બોલિંગ કરનાર ભારતીય બોલર બન્યો હતો.