
એશિયા કપ 2025ની શરુઆત 9 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં, ભારત 10 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે પોતાની પહેલી મેચ રમશે. આ દરમિયાન, એક ક્રિકેટરના અચાનક મૃત્યુથી ક્રિકેટ જગત આઘાતમાં છે. જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના એક લોકલ ક્રિકેટર ફરીદ હુસૈનનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. ફરીદ હુસૈનની સાથે આ દુર્ઘટના 20 ઓગસ્ટના રોજ બની હતી. આ દુર્ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.
આ ઘટનાના સીસીટીવી ફુટેજ જોઈ બધા ચોંકી ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ દુર્ઘટના બની ત્યારે હુસૈન તેના સ્કુટર પર જઈ રહ્યો હતો. રસ્તા પર ઉભેલી કારનો દરવાજો અચાનક ખુલ્યો અને ફરીદ તેની સાથે ટકરાયો હતો. કારમાં બેસેલા વ્યક્તિએ અચાનક ગાડીનો દરવાજો ખોલ્યો હતો. ફરીદને પોતાની ગાડી ઉભી રાખવા કે ટર્ન લેવાની તક મળી ન હતી અને તે ગાડી સાથે ટકરાયો હતો. આ ટક્કર લગતા ફરીદ પોતાના સ્કુટર પરથી પડી ગયો હતો.
#Viral Video: A man Fareed Khan, who was a renowned cricketer from Poonch, has lost his life in this incident.#Poonch #RoadAccident #greaterjammu pic.twitter.com/IycMdPQNP1
— Greater jammu (@greater_jammu) August 22, 2025
આ સમગ્ર ઘટના બાદ ક્રિકેટરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો તમે વીડિયો જોશો તો હુસૈનના સ્કુટરની સ્પીડ વધારે જોવા મળતી નથી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કારના દરવાજા સાથે અથડાયા બાદ 2 લોકો ફરીદની મદદ માટે પણ આવે છે.હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ફરીદ હુસૈનના અકસ્માતના સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હવે આ ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે, એક નાનકડી લાપરવાહી જાનલેવા સાબિત થઈ શકે છે.
પુંછ જિલ્લાનો રહેવાસી ફરીદ હુસૈન પોતાના વિસ્તારમાં ખુબ જાણીતો ક્રિકેટર હતો. તેમણે અનેક ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ધીમે ધીમે સ્થાનીય ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ બનાવી રહ્યો હતો, તેને મહેનતી અને પ્રતિભાશાળી ક્રિકેટર માનવામાં આવે છે. તેના કરિયરની શરુઆત જોઈ લાગતું હતુ કે, ક્રિકેટમાં મોટું નામ બનાવશે. પરંતુ આ અકસ્માતે બધું પૂર્ણ કરી દીધું છે.