IPL 2022 ની મેગા ઓક્શન પહેલા IPL રિટેન્શનનું કામ પૂર્ણ થઈ ગયું છે. પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી આઠ ટીમોએ 27 ક્રિકેટરોને જાળવી રાખ્યા છે. તેમાંથી 23 કેપ્ડ અને ચાર અનકેપ્ડ (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી) ખેલાડીઓ છે. બાકીના ખેલાડીઓ મેગા ઓક્શનનો ભાગ બનશે. આમાંથી લખનૌ અને અમદાવાદની ટીમો હરાજી પહેલા ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરી શકશે. હરાજીમાં જઈ રહેલા ખેલાડીઓમાં કેએલ રાહુલ, રાશિદ ખાન, શિખર ધવન, શ્રેયસ ઐયર, ભુવનેશ્વર કુમાર, ડેવિડ વોર્નર, જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ, ફાફ ડુ પ્લેસિસ, પેટ કમિન્સ જેવા મોટા નામ સામેલ છે.
હરાજી દરમિયાન ટીમો તેમના પર મોટી રકમનો વરસાદ કરી શકે છે. પરંતુ એવા બે ભારતીય ખેલાડીઓ છે જેઓ કદાચ હરાજી પહેલા બુક થઈ જશે. તેમના નામ કેએલ રાહુલ (KL Rahul) અને શ્રેયસ અય્યર (Shreyas Iyer) છે.
એવું માનવામાં આવે છે કે અમદાવાદની ટીમ શ્રેયસ અય્યર ને તો કેએલ રાહુલને લખનૌ પોતાની સાથે જોડવા માટે તૈયાર છે. તે બંને કેપ્ટન બની શકે છે. આવી સ્થિતિમાં રાહુલ અને અય્યર IPLની બે નવી ટીમોનો ભાગ બની શકે છે. કેએલ રાહુલે છેલ્લી બે સિઝનમાં પંજાબ કિંગ્સની કપ્તાની સંભાળી હતી. જો કે, તેની કપ્તાનીમાં ટીમ ન તો ખિતાબ જીતી શકી કે ન તો પ્લેઓફમાં જગ્યા બનાવી શકી.
પરંતુ કેએલ રાહુલ રન બનાવવામાં સતત આગળ છે. પંજાબ કિંગ્સમાં આવ્યા બાદથી તે સતત ઓરેન્જ કેપની રેસમાં છે અને દરેક વખતે ટોપ-3નો ભાગ રહ્યો છે. તે જ સમયે, શ્રેયસ અય્યર લગભગ અઢી સિઝન સુધી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન હતો. તેની કપ્તાનીમાં ટીમ 2019માં પ્લેઓફમાં પહોંચી હતી. ત્યારબાદ 2020માં ફાઈનલ રમી હતી. આ સાથે તેના બેટમાંથી રન પણ નીકળી રહ્યા છે.
હાલમાં, ઓછામાં ઓછી પાંચ ટીમો IPLમાં કેપ્ટનની શોધમાં છે. આવી સ્થિતિમાં, હરાજીમાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ચહેરાઓ માટે જોરદાર લડાઈ થઈ હોત. પરંતુ અમદાવાદ અને લખનૌને હરાજી પહેલા જ ખેલાડીઓને રિટેન કરવાનો અધિકાર છે. તેના આધારે તે આ ખેલાડીઓને પોતાના કેમ્પમાં લઈને કેપ્ટનશિપના સંકટને દૂર કરી શકે છે. આ સાથે એક સારો બેટ્સમેન પણ મળી જશે. એવું માનવામાં આવે છે કે કેએલ રાહુલ લખનૌથી 20 કરોડ રૂપિયા મેળવી શકે છે. પંજાબે પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાહુલ હરાજીમાં જવા માંગતો હતો.
શ્રેયસ ઐયરની વાત કરીએ તો તે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન બનવા માંગતો હતો. પરંતુ દિલ્હીએ આ જવાબદારી માટે ઋષભ પંત પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. પંતે 2021 સીઝનમાં કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી. આ સિઝનના પહેલા હાફમાં ઐયર ઈજાના કારણે રમી શક્યો નહોતો. જ્યારે દિલ્હી સુકાની બનવા માટે સહમત ન હતું, ત્યારે શ્રેયસ અય્યરને પણ જાળવી ન શકાયો અને તે ઓક્શન પૂલનો ભાગ બન્યો.
Published On - 12:05 pm, Thu, 2 December 21