
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આજે (12 જૂન) સવારે 11 વાગ્યાથી IPL (IPL Media Rights 2023-27 Auction) ના આગામી પાંચ વર્ષ માટે મીડિયા અધિકારોની હરાજી શરૂ કરશે. આ હરાજીમાં વિશ્વની ઘણી મોટી કંપનીઓ સામેલ થશે. આ હરાજીથી BCCI ને 50 થી 55 હજાર કરોડ મળવાની આશા છે. અહીં જાણો આ મોટી હરાજી સાથે જોડાયેલી મહત્વની માહિતી.
રિલાયન્સ ગ્રુપની વાયાકોમ-18, ડિઝની સ્ટાર નેટવર્ક, સોની સ્પોર્ટ્સ નેટવર્ક તેમજ ઝી ગ્રુપ, ટાઈમ્સ ઈન્ટરનેટ, સુપરસ્પોર્ટ અને ફનએશિયા આઈપીએલના મીડિયા અધિકારો મેળવવા માટે હરાજીમાં ભાગ લઈ રહ્યા છે. જેફ બેઝોસની કંપની એમેઝોન પણ આ રેસમાં સામેલ હતી. પરંતુ બે દિવસ પહેલા કંપનીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
આ હરાજીને ચાર અલગ-અલગ પેકેજમાં વહેંચવામાં આવી છે. દરેક પેકેજ માટે અલગથી હરાજી યોજાશે.
જો આપણે ચાર પેકેજની તમામ મેચોની બેઝ પ્રાઈઝ જોઈએ તો 5 વર્ષની તમામ મેચોની કુલ બેઝ પ્રાઈસ 32,890 કરોડ રૂપિયા છે. એટલે કે આ હરાજીમાંથી બોર્ડને ઓછામાં ઓછા 32 હજાર કરોડથી વધુની રકમ મળશે. જોકે બોર્ડને આશા છે કે IPLના 5 વર્ષના મીડિયા રાઈટ્સ 50 થી 55 હજાર કરોડમાં વેચાઈ શકે છે.
IPL મીડિયા અધિકારોની છેલ્લી હરાજી વર્ષ 2017 માં થઈ હતી. ત્યાર બાદ સ્ટાર ઈન્ડિયાએ 2022 સુધીના મીડિયા અધિકારો 16,347.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા. અગાઉ 2008 માં સોની પિક્ચર્સ નેટવર્ક્સે રૂ. 8,200 કરોડની બોલી લગાવીને 10 વર્ષ માટે મીડિયા અધિકારો જીત્યા હતા.