
IPL 2026 ની હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીના એતિહાદ એરેનામાં યોજાશે. આ વર્ષે હરાજી માટે કુલ 359 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જો કે, ફક્તને ફક્ત 77 ખેલાડીઓ જ ખરીદી શકાશે. આ સમય દરમિયાન, સ્ટાર ખેલાડીઓ ખરીદવા માટે 10 ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.
આ મીની-હરાજી પહેલા, ભૂતપૂર્વ ભારતીય ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર એક મોક ઓક્શન કર્યું હતું. ચાહકોએ તમામ 10 IPL ટીમો માટે બોલી લગાવી હતી, જેમાં કેમેરોન ગ્રીન સૌથી વધુ ડિમાન્ડમાં રહ્યો હતો.
આ મોક ઓક્શનમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પર સૌથી વધુ બોલી લગાવવામાં આવી. ચેન્નાઈ સુપર કિંગ્સે તેને ₹21 કરોડમાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો. ખાસ વાત એ છે કે, કેમેરોન ગ્રીન માટે કોલકાતા નાઈટ રાઈડર્સે પણ જોરદાર બોલી લગાવી હતી.
બંને ટીમોને સ્ટાર ઓલરાઉન્ડરની જરૂર છે, તેથી મીની ઓક્શનમાં પણ કેમેરોન ગ્રીન માટે સમાન લડાઈ જોવા મળી શકે છે. આ ઉપરાંત, ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોન પર પણ જોરદાર બોલી લગાવવામાં આવી હતી. કોલકાતાએ તેને ₹18.5 કરોડમાં ખરીદ્યો હતો. વધુમાં યુવા ભારતીય ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર પણ ₹17.5 કરોડમાં કોલકાતાની ટીમમાં જોડાયો હતો.
ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ગણાતો પૃથ્વી શો પણ આ મોક ઓક્શનમાં ટોપ પર રહ્યો હતો. ગયા વર્ષની મેગા ઓક્શનમાં તે વેચાયો ન હતો. જો કે, કોલકાતા નાઈટ રાઈડર્સે તેને મોક ઓક્શનમાં ₹5.25 કરોડમાં ખરીદ્યો, જેનાથી તેનું IPL કમબેક પણ થઈ ગયું.
ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈને હૈદરાબાદે ₹10.5 કરોડમાં ખરીદ્યો. બીજીબાજુ દિલ્હીએ સ્ટાર બોલર મતિશા પથિરાના માટે ₹7 કરોડ ખર્ચ્યા હતા. નોંધનીય છે કે, સ્ટીવ સ્મિથ અને ડેવોન કોનવે જેવા અનુભવી ખેલાડીઓ વેચાયા ન હોતા.
Published On - 4:46 pm, Sat, 13 December 25