
દર વર્ષે IPL હરાજી પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તમામ ફ્રેન્ચાઇઝીઓને એવા ખેલાડીઓ વિશે માહિતી આપે છે જેમની બોલિંગ એક્શન પર પ્રતિબંધ મૂકાયો હોય અથવા જેની એક્શન શંકાસ્પદ ગણાતી હોય. આવી જ યાદીમાં આ વખતે એક ભારતીય ખેલાડીનું નામ સામેલ છે, જેણે ટીમ ઈન્ડિયા માટે 31 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે.
IPL 2026 ની હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી છે, જેમાં લગભગ 350 ખેલાડીઓ ભાગ લેશે. આ પહેલા BCCI એ તમામ 10 IPL ટીમોને ભારતીય ઓલરાઉન્ડર દીપક હુડાને લઈને ચેતવણી આપી છે. બોર્ડે જાણ કરી છે કે હુડાની બોલિંગ એક્શન શંકાસ્પદ માનવામાં આવી રહી છે અને જો તે ફરીથી શંકાસ્પદ જણાશે તો IPL દરમિયાન તેને બોલિંગથી પ્રતિબંધિત કરવામાં આવી શકે છે.
Cricbuzzના અહેવાલ મુજબ, દીપક હુડાને BCCI દ્વારા ‘શંકાસ્પદ બોલિંગ એક્શન’ ધરાવતા ખેલાડીઓની યાદીમાં મૂકવામાં આવ્યો છે. 30 વર્ષીય હુડા મુખ્યત્વે બેટ્સમેન તરીકે રમે છે અને પાર્ટ-ટાઇમ ઓફ-સ્પિન બોલિંગ પણ કરે છે. જોકે, હાલ તેની બોલિંગ એક્શન પર નજર રાખવામાં આવી રહી છે અને આ અંગે ફ્રેન્ચાઇઝીઓને હરાજી પહેલા જ જાણ કરી દેવામાં આવી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે જો IPL શરૂ થાય તે પહેલાં અથવા ટુર્નામેન્ટ દરમિયાન હુડાની બોલિંગ એક્શન ફરીથી શંકાસ્પદ સાબિત થશે, તો તેના પર બોલિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આવી સ્થિતિમાં, હુડાને માત્ર બેટ્સમેન તરીકે જ રમવાની મંજૂરી મળશે.
દીપક હુડાએ ભારત માટે 31 ODI અને T20 મેચો રમી છે. IPL કારકિર્દીમાં તેણે અત્યાર સુધીમાં લગભગ 63 ઓવર ફેંક્યા છે અને 10 વિકેટ ઝડપી છે. જોકે, છેલ્લી IPL સીઝનમાં, જ્યારે તે ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો, ત્યારે તેણે એક પણ મેચમાં બોલિંગ કરી ન હતી.
ઘરેલુ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા હુડાની બોલિંગ એક્શન અંગેની આ નવીનતમ માહિતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પછી સામે આવી છે. તેણે રણજી ટ્રોફી અને મુશ્તાક અલી ટ્રોફીમાં કુલ છ ઓવર ફેંક્યા છે. તાજેતરમાં 8 ડિસેમ્બરે રમાયેલી એક મેચમાં તેણે ત્રણ ઓવર ફેંકીને ત્રણ વિકેટ ઝડપી હતી.
દીપક હુડાએ IPL 2026 હરાજી માટે પોતાનું નામ ઓલરાઉન્ડર તરીકે નોંધાવ્યું છે. તેને સેટ નંબર 2માં મૂકવામાં આવ્યો છે, જેમાં કેપ્ડ ઓલરાઉન્ડર ખેલાડીઓ સામેલ છે. હુડાની બેઝ પ્રાઈસ ₹75 લાખ રાખવામાં આવી છે.
હવે જોવાનું રહેશે કે BCCIની આ ચેતવણી હરાજીમાં હુડાની માંગ પર કેટલો પ્રભાવ પાડે છે. હુડા અગાઉ રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમો માટે રમ્યો છે. હવે કઈ ટીમ તેના પર બોલી લગાવશે તે હરાજી દિવસે સ્પષ્ટ થશે.
Published On - 9:20 pm, Sat, 13 December 25