ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની હરાજી શુક્રવારે કોચીમાં યોજાવા જઈ રહી છે. ગયા વર્ષે મેગા ઓક્શન થયું હતું પરંતુ આ વખતે એવું નથી. આ હરાજી માટે 900 થી વધુ ખેલાડીઓએ તેમના નામ નોંધાવ્યા હતા પરંતુ માત્ર 405 નામો જ અંતિમ યાદીમાં સ્થાન મેળવી શક્યા હતા. હવે 10 ટીમો આ ખેલાડીઓના ભાવિનો નિર્ણય કરશે. આ વખતે આઈપીએલની હરાજી માત્ર એક દિવસ ચાલશે. હરાજી પૂલમાં ઘણા મોટા નામ છે. આવી સ્થિતિમાં આ હરાજી પણ ઘણી રસપ્રદ રહેશે.
આ વખતે IPL 2023 ઓક્શન પૂલમાં 405 ખેલાડીઓ છે. આ 405 ખેલાડીઓમાંથી 273 ભારતીય છે જ્યારે 132 વિદેશી ખેલાડીઓ પણ છે. ટેસ્ટ રમનારા દેશો ઉપરાંત ચાર સહયોગી દેશો પણ સામેલ છે. તેમાં 119 કેપ્ડ પ્લેયર્સ, 282 અનકેપ્ડ પ્લેયર્સ અને એસોસિયેટ દેશોના 4 પ્લેયર્સ છે. હરાજીમાં કુલ 87 જગ્યાઓ માટે બોલી લગાવવામાં આવશે, જેમાંથી 30 વિદેશી ખેલાડીઓ માટે રિઝર્વ છે.
તમામ ટીમોએ પોતાના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. અગાઉની મેગા ઓક્શનમાં તમામ ટીમો એક જ પર્સ સાથે ઉતરી હતી પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે સૌથી વધુ 42.25 કરોડ રૂપિયા છે. આ પછી બીજા નંબર પર પંજાબ કિંગ્સ છે, જેની પાસે 32.2 કરોડ રૂપિયા છે. લખનૌ સુપરજાયન્ટ્સ રૂ. 23.35 કરોડ, KKR રૂ. 7.05 કરોડ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રૂ. 8.75 કરોડ સાથે હરાજીમાં પ્રવેશ કરશે.
કેન વિલિયમસન, રાયલી રુસો, જેસન હોલ્ડર, સેમ કુરન, કેમેરોન ગ્રીન, ટોમ બેન્ટન, નિકોલસ પૂરન, ફિલ સોલ્ટ, ક્રિસ જોર્ડન, એડમ મિલ્ને, આદિલ રશીદ, ક્રિસ જોર્ડન, ટ્રેવિસ હેડ, જીમી નીસન, રાસી વાન ડેર ડ્યુસન, ક્રિસ લિન, જેમી ઓવરટોન, ક્રેગ ઓવરટોન, ટાઇમલ મિલ્સ જેવા ખેલાડીઓના નામ બે કરોડની બેઝ પ્રાઈસ પૂલમાં સામેલ છે.
જાણો હરાજી ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી
IPL 2023 ની હરાજી 23 ડિસેમ્બર 2022, શુક્રવારના રોજ થશે.
IPL 2023 ની હરાજી કોચીમાં થવા જઈ રહી છે.
IPL 2023ની હરાજી બપોરે 02.30 વાગ્યે શરૂ થશે.
IPL 2023ની હરાજીનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર થશે.
IPL 2023 હરાજીની લાઇવ સ્ટ્રીમિંગ Viacom 18ની એપ Voot પર થશે.