ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) સિઝન શરૂ થવાની દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે, પરંતુ હજુ સુધી ટૂર્નામેન્ટના શેડ્યૂલ વિશે કોઈ માહિતી નથી. પરંતુ ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. ટુર્નામેન્ટની શરૂઆતની તારીખ પર મહોર લગાવવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) 26 માર્ચથી નવી સિઝન શરૂ કરશે. દસ ટીમો સાથેની આ મોટી અને લાંબી ટુર્નામેન્ટનું આયોજન મુંબઈ અને પૂણેના 4 સ્ટેડિયમમાં કરવામાં આવશે (IPL Mtches in Mumbai and Pune). સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે પ્રશંસકોની હાજરી વિના ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે નહીં. BCCI મહારાષ્ટ્ર સરકારની માર્ગદર્શિકાના આધારે જ દર્શકોને સ્ટેડિયમમાં આવવા દેવા માટે તૈયાર છે. એટલે કે વધુ ટીમો, વધુ મેચો અને દર્શકોની હાજરીથી ઉત્સાહ અનેકગણો વધી જશે.
IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગુરુવાર 24 ફેબ્રુઆરીએ યોજાઈ હતી, જેમાં કાઉન્સિલે આ નિર્ણય લીધો હતો. મીડિયા અહેવાલ મુજબ, કાઉન્સિલે આ નિર્ણય ટુર્નામેન્ટના સત્તાવાર બ્રોડકાર્સ્ટર પાર્ટનર ડિઝની-સ્ટારની વિનંતીને પગલે લીધો છે. બોર્ડ અગાઉ ટૂર્નામેન્ટ રવિવાર, 27 માર્ચથી શરૂ થાય તેવું ઈચ્છતું હતું, પરંતુ સ્ટારે રવિવારના રોજ ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટનો ઉત્સાહ ફેલાવવા માટે તેને શનિવારથી શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ સાથે બોર્ડે ટૂર્નામેન્ટના લીગ તબક્કાની તમામ મેચો મહારાષ્ટ્રમાં જ આયોજિત કરવા માટે પણ સંમતિ દર્શાવી છે. આ મેચો મુંબઈના ત્રણ અને પૂણેના એક સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 26 માર્ચથી મહારાષ્ટ્રમાં જ ટૂર્નામેન્ટ શરૂ થશે અને ટૂંક સમયમાં ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવશે.
BCCI, ફ્રેન્ચાઈઝી અને ક્રિકેટ ચાહકો માટે સૌથી સારા સમાચાર એ છે કે આ વખતે બોર્ડ દર્શકોને સ્ટેડિયમમાં આવવા દેવા માટે તૈયાર છે. પટેલે જણાવ્યું હતું કે, અગાઉની સીઝનની જેમ આ વખતે દર્શકો સ્ટેડિયમમાં આવી શકશે, પરંતુ કેટલા દર્શકો આવી શકશે, તે મહારાષ્ટ્ર સરકારની માર્ગદર્શિકાના આધારે જ નક્કી કરી શકાશે.
આ વખતે 10 ટીમોની ટૂર્નામેન્ટમાં મેચોની સંખ્યા પણ વધીને 74 થઈ જશે. સૂચિત કાર્યક્રમ મુજબ, આમાંથી 55 મેચો મુંબઈના ત્રણ સ્ટેડિયમ વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાય પાટિલમાં રમાશે. જ્યારે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં 15 મેચો યોજાશે. જોકે, ફાઈનલ સહિત પ્લેઓફની 4 મેચો અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
Published On - 9:56 pm, Thu, 24 February 22