IPL 2022 રિટેન્શન (IPL Retention) માં જ્યારે તમામ ટીમો પોતાના ખેલાડીઓને રિટેન કરવાની જાહેરાત કરી રહી હતી ત્યારે સૌથી ચોંકાવનારા સમાચાર સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) તરફથી આવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે કેપ્ટન કેન વિલિયમસન (Ken Williamson) ને રિટેન કર્યો છે. આ સિવાય તેણે બે અનકેપ્ડ ખેલાડીઓ ઉમરાન મલિક (Umran Malik) અને અબ્દુલ સમદને પણ ટીમમાં જાળવી રાખ્યા હતા. રસપ્રદ વાત એ છે કે સનરાઈઝર્સ હૈદરાબાદે રાશિદ ખાન (Rashid Khan), ડેવિડ વોર્નર (David Warner) અને જોની બેયરિસ્ટો જેવા ખેલાડીઓને છોડ્યા હતા.
સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે આ ટીમના સૌથી મોટા મેચ વિનર ગણાતા રાશિદ ખાનને છોડવો. રાશિદ ખાન છેલ્લા પાંચ વર્ષથી સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે સંકળાયેલો હતો પરંતુ શું થયું કે લેગ સ્પિનરને ટીમે રિટેન ન કર્યો.
રિપોર્ટ્સ અનુસાર, રાશિદ ખાનને એટલા માટે છોડવામાં આવ્યો કારણ કે તે ઈચ્છતો હતો કે સનરાઈઝર્સ હૈદરાબાદ તેને નંબર વન પર જાળવી રાખે જેથી તેને વધુ પૈસા મળે. પરંતુ રાશિદ ખાનના નજીકના સૂત્રોના હવાલાથી આ અહેવાલો ખોટા છે. એક મીડિયા અહેવાલ મુજબ રાશિદ ખાને પૈસાના કારણે સનરાઈઝર્સ છોડ્યું નથી, પરંતુ સાચું કારણ કંઈક બીજું જ છે.
રાશિદ ખાનના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લેગ સ્પિનરે પૈસા માટે ટીમ છોડી નથી. રાશિદ ખાન વર્ષ 2017માં પહેલીવાર આ ટીમ સાથે જોડાયો હતો અને ત્યારથી સનરાઈઝર્સ હૈદરાબાદે તેને 40 કરોડ રૂપિયા પગાર તરીકે આપ્યા છે. રાશિદ ખાનનો પગાર 9 કરોડ રૂપિયા હતો અને જો તેને બીજા નંબર પર યથાવત રાખવામાં આવે તો પણ તેનો પગાર વધી ગયો હોત.
પરંતુ રાશિદ ખાનને પૈસાના કારણે નહીં પણ વાતાવરણ બદલવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી છોડવામાં આવ્યો છે. રીપોર્ટ મુજબ રાશિદ ખાન નવી ટીમ, નવા વાતાવરણમાં રમવા માંગે છે.
It has been a wonderful journey with the @sunrisershyd 🧡
Thank you for your support, love and for believing in me 🙏
To the #OrangeArmy you’ve been my pillar of strength and I shall forever be grateful for such wonderful fans 🧡🙏 pic.twitter.com/1yIx1oVKXO
— Rashid Khan (@rashidkhan_19) December 1, 2021
સનરાઈઝર્સ હૈદરાબાદે રિટેન્શન દરમિયાન કહ્યું હતું કે તેઓ રાશિદ ખાનને ટીમમાં જાળવી રાખવા ઈચ્છે છે પરંતુ તેમ થઈ શક્યું નહીં. જો કે, ફ્રેન્ચાઇઝીએ સ્પષ્ટ કર્યું કે તે આ લેગ-સ્પિનરને ખરીદવા માટે તમામ પ્રયાસો કરશે. તમને જણાવી દઈએ કે રાશિદ ખાને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલમાં 76 મેચમાં 93 વિકેટ લીધી છે.
રાશિદ ખાનની ઈકોનોમી માત્ર 6.33 રન પ્રતિ ઓવર છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે રાશિદ ખાન જે પણ ટીમમાં જશે, તે ઘણી મેચો પોતાના દમ પર જીતશે. IPLની હરાજીમાં રાશિદ ખાન પર કરોડોનો વરસાદ થઈ શકે છે.