ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ શ્રેયસ અય્યર (Shreyas Iyer) ની કેપ્ટનશિપની કુશળતાની પ્રશંસા કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે પોતાની અસર છોડનાર શ્રેયસ અય્યર વિશે રવિ શાસ્ત્રી માને છે કે મુંબઈનો આ ખેલાડી સ્વાભાવિક નેતા છે. શ્રેયસ અય્યરને IPL 2022 માં કોલકાતાની આગેવાની કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેની કપ્તાનીમાં ટીમે ત્રણ મેચ જીતી છે. જ્યારે ત્રણ મેચમાં હારનો પણ સામનો કરવો પડ્યો છે. રવિ શાસ્ત્રીએ દાવો કર્યો છે કે જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ તેમ શ્રેયસ કેપ્ટન તરીકે વધુ સારો થશે.
રવિ શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું, શ્રેયસ અય્યર માટે કેપ્ટન્સી સ્વાભાવિક બાબત છે. તેની આક્રમક કેપ્ટનશીપ જુઓ, તમને નહીં લાગે કે તે પહેલીવાર કોલકાતા ટીમને લીડ કરી રહ્યો છે. એવું લાગે છે કે તે છેલ્લી ત્રણ કે ચાર સીઝનથી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને આ તેના વિચારોની સ્પષ્ટતામાં પ્રતિબિંબિત થાય છે.
ભૂતપૂર્વ ભારતીય કોચે વધુમાં કહ્યું કે, તેના મગજમાં સ્પષ્ટ છે કે તેને બેટ્સમેન તરીકે કેવું ક્રિકેટ રમવાની જરૂર છે. ઉપરાંત, તે જાણે છે કે એક કેપ્ટન તરીકે તેણે તેની ટીમને પ્લેઓફમાં લઈ જવાની છે અને પછી ટાઇટલ જીતવું છે. શાસ્ત્રીએ કહ્યું, “મેચ પહેલા અને મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં તેણે જે રીતે વાત કરી તે મને ગમ્યું અને તે દર્શાવે છે કે તે યોજના વિશે ખૂબ જ સ્પષ્ટ છે. મને ખાતરી છે કે તે કેપ્ટન તરીકે લાંબી મંજીલ કાપશે.”
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર ઈયાન બિશપે પણ આ મુદ્દે શાસ્ત્રીનું સમર્થન કર્યું હતું. બિશપે શ્રેયસને કેપ્ટન તરીકે ટેકો આપતા કહ્યું કે તેનું મન સારું છે અને તેને કોલકાતામાં હાજર કેટલાક અનુભવી ખેલાડીઓનું સમર્થન પણ છે. તેણે કહ્યું, મને લાગે છે કે સતત 2 હાર સહન કરવા છતાં શ્રેયસ માટે તેની ટીમ સાથે મજબૂત વાપસી કરવી શક્ય છે. જ્યારે તે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બન્યો, ત્યારે તે સીઝન પછી વધુ સારી કેપ્ટનશિપ કરી રહ્યો છે.
તેણે કહ્યું કે, તેને કોલકાતામાં પગ જમાવવામાં થોડો સમય લાગશે. પરંતુ આ માટે તેને ટીમના કેટલાક અનુભવી ખેલાડીઓનું સમર્થન છે. આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણ અનુભવી ખેલાડી છે. કોચ બ્રેન્ડન મેક્કુલમ પણ ઘણો અનુભવી છે. તેથી મારા મત મુજબ શ્રેયસ તેની ટીમને આગળ લઈ જઈ શકશે તેમાં કોઇ શંકા નથી.
આ પણ વાંચો : RR vs KKR Live Cricket Score, IPL 2022 : કોલકાતા ટીમે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
આ પણ વાંચો : પશુ નિયંત્રણ બિલ સામે માલધારી સમાજનો રાજ્ય વ્યાપી વિરોધ કાર્યક્રમ, બિલ રદ કરવા માગ