IPL 2021 ના પ્લેઓફ માટેના ત્રણ સ્થાન ભરાઇ ચુક્યા છે. ચોથા સ્થાન માટેની સ્પર્ધા ચાલી રહી છે. આ દરમ્યાન આજે શારજાહમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે મેચ રમાઇ હતી. સિઝનની 51 મી મેચની આ ટક્કર પ્લેઓફ માટે મહત્વનીહતી. પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાનની ટીમની રમત અત્યંત કંગાળી રહી હતી. તેણે 20 ઓવરના અંતે 9 વિકેટે 90 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં 9મી ઓવરમાં જ મુંબઇએ 8 વિકેટે જીત મેળવી હતી.
રોહિત શર્માએ ઓપનીંગ બેટીંગ કરવા માટે પિચ પર આવતા જ આક્રમક શરુઆત કરી હતી. તેણે 13 બોલમાં 22 રન કર્યા હતા. આ દરમ્યાન રોહિતે 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે સૂર્ય કુમાર યાદવ ફરી એકવાર સસ્તામાં પરત પેવેલિયન ફર્યો હતો. તેણે 8 બોલમાં 13 રન કર્યા હતા. ઇશાન કિશને શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે માત્ર 25 બોલમાં જ ફીફટી નોંધાવી હતી. આ દરમ્યાન 3 છગ્ગા અને 5 ચોગ્ગા લગાવ્યા હતા. હાર્દિક પંડ્યા 5 રન કરીને અણનમ રહ્યો હતો.
લો સ્કોરીંગ મેચ અને પાછુ હરિફ ટીમની આક્રમક શરુઆત એવા સમયે જ ચેતેન સાકરિયાએ તેની બોલીંગની શરુઆત મેઇડન ઓવર થી કરી હતી. તેણે રોહિત શર્માના રુપમાં એક વિકેટ ઝડપી હતી. સાકરિયાએ 3 ઓવર દરમ્યાન 36 રન કર્યા હતા. શ્રેયસ ગોપાલે 1 ઓવરમાં 9 રન આપ્યા હતા. જ્યારે મુસ્તફિઝુર રહેમાને 2.2 ઓવર કરીને 32 રન ગુમાવ્યા હતા. તેણે પણ એક વિકેટ ઝડપી હતી. તે સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો હતો.
ટોસ હારીને મેદાને બેટીંગ માટે આવેલી રાજસ્થાન રોયલ્સની રમત કંગાળ રહી હતી. આ સાથે જ તેની આ કંગાળ રમત પ્લેઓફની બહાર કરવા માટે જવાબદાર બની શકે છે. મુંબઇ સામે ઓપનીંગ જોડી એવિન લેવિસ અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 27 રનની ભાગીદારી નોંધાઇ હતી. જયસ્વાલ 12 રન ત્રણ ચોગ્ગા વડે નોંધાવીને 9માં બોલનો સામનો કરવા જતા આઉટ થયો હતો. લેવિસ 19 બોલમાં 24 રન કરીને આઉટ થયો હતો. તેણે 1 છગ્ગો અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.
રાજસ્થાને 27 રને પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ 50 ના સ્કોર સુધીમાં પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી. જેને લઇને તેમની રમત પણ દબાણને લઇને નબળી થઇ ગઇ હતી. લેવિસના આઉટ થવા બાદ આગળની ઓવરના પ્રથમ બોલે કેપ્ટન સંજૂ સેમસન (Sanju Samson) પણ વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 6 બોલમાં 3 રન નોંધાવ્યા હતા. શિવન દુબે પણ માત્ર 3 રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ ગ્લેન ફિલીપ 13 બોલનો સામનો કરીને 4 રન નોંધાવી આઉટ થયો હતો.
તેવટીયાએ 12 રન કર્યા હતા. જ્યારે ટીમના 74 રનના સ્કોર પર 7મી વિકેટના રુપે શ્રેયસ ગોપાલ ગોલ્ડન ડક આઉટ થયો હતો. સાકરિયાએ 11 બોલમાં 6 રન કર્યા હતા. કુલદિપ યાદવે 4 બોલમાં શૂન્ય રન કરીને અણનમ રહ્યો હતો. મુસ્તફિઝુર રહેમાન 8 રન કરી અણનમ રહ્યો હતો.
જેમ્સ નિશમ (James Neesham) અને નાથન કૂલ્ટર (Nathan Coulter-Nile) સફળ બોલર નિવડ્યા હતા. નાથન કૂલ્ટર નાઇલે 4 ઓવરમાં 14 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. નિશમે 4 ઓવરમાં માત્ર 12 જ રન આપ્યા હતા અને 3 શિકાર ઝડપ્યા હતા. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલે 4 ઓવરમાં 24 રન આપ્યા હતા. જયંત યાદવે 2 ઓવરમાં 17 રન આપ્યા હતા. કિયરોન પોલાર્ડે 2 ઓવરમાં 9 રન આપ્યા હતા.
Published On - 10:27 pm, Tue, 5 October 21