IPL 2021 જીતવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફ્રેન્ચાઇઝી ખૂબ પ્રયાસ કરી રહી છે. હાલમાં તે સતત તેમની સાથે નવા ખેલાડીઓને ઉમેરી રહી છે. આગામી મહિને UAE માં શરૂ થનારી IPL 2021 ના બીજા હિસ્સા માટે ટીમના 5 વિદેશી ખેલાડીઓએ પોતાના નામ પરત ખેંચી લીધા હતા. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઈઝીએ થોડાક દિવસ પહેલા 3 ખેલાડીઓને તેમની જગ્યા ભરવા માટે સાઈન કર્યા હતા. આ લિસ્ટમાં વધુ એક નવું નામ ઉમેરાયું છે, જે ભારતીય ક્રિકેટ ચાહકો માટે તદ્દન અજાણ છે.
RCB એ ઇંગ્લેન્ડના સ્થાનિક ક્રિકેટના ફાસ્ટ બોલર જ્યોર્જ ગાર્ટન (George Garton) ને આઇપીએલના બાકીના હિસ્સા માટે સાઇન કર્યો છે. ગાર્ટનને ઓસ્ટ્રેલિયન બોલર ડેનિયલ સેમ્સની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. સેમ્સની જેમ, ગાર્ટન પણ ડાબા હાથથી બોલિંગ કરે છે અને નીચલા ક્રમમાં જરૂરી રન કરવાની ક્ષમતા ધરાવે છે.
24 વર્ષીય ગાર્ટન ઇંગ્લેન્ડની સ્થાનિક ક્રિકેટમાં સસેક્સ તરફથી રમે છે. અત્યાર સુધીની કારકિર્દીમાં તેણે 38 T20 મેચ રમી છે, તેણે 44 વિકેટ લીધી છે. તેનો ઇકોનોમી રેટ 8.26 છે. આ સિવાય તેણે 124 ની સ્ટ્રાઇક રેટથી 187 રન પણ બનાવ્યા છે. જોકે, ગાર્ટેન અત્યાર સુધી ઈંગ્લેન્ડ માટે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. તે સાઉથર્ન બ્રેવ ટીમનો મહત્વનો હિસ્સો હતો, તેની ટીમે તાજેતરમાં ધ હંડ્રેડ ટુર્નામેન્ટ જીતી હતી. ગાર્ટેને આ ટુર્નામેન્ટની 9 મેચમાં 10 વિકેટ લીધી હતી.
🔊ANNOUNCEMENT 🔊
Talented all-rounder from England, George Garton, will join the RCB family for the rest of #IPL2021. He completes our overseas players quota for the season. 🤩#PlayBold #WeAreChallengers #NowAChallenger pic.twitter.com/XQgIxWyFva
— Royal Challengers Bangalore (@RCBTweets) August 25, 2021
ગાર્ટન પ્રથમ વખત IPL ની ચમક દમકની દુનિયામાં પગ મૂકશે. તેના પહેલા વિરાટ કોહલીના નેતૃત્વમાં RCB એ 3 અન્ય વિદેશી ખેલાડીઓને સાઇન કર્યા હતા. જેમાં શ્રીલંકાના સ્ટાર સ્પિનર વાનીંદુ હસારંગા અને ફાસ્ટ બોલર દુષ્મંથા ચામીરા મુખ્ય છે. બંને બોલરોએ તાજેતરમાં ભારત સામે વનડે અને T20 શ્રેણીમાં પ્રભાવિત બોલિંગ કરી હતી.