દુબઈની પિચ પર આજે આગ લાગી શકે છે. IPL ના બાહુબલી આજે ધૂમ મચાવતો જોવા મળી શકે છે. T20 ક્રિકેટનો સિંઘમ આજે ફરી છવાઇ શકે છે. તોફાની ઇનિંગ્સનો સુલતાન આજે ફરી ધમાલ કરી શકે છે. કારણ કે આજે તેનો જન્મદિવસ છે. તેના માટે ક્રિકેટના દબંગ તરીકે તેનાથી મોટી વાત શું હોઈ શકે કે, આજે તેણે મોટી મેચ રમવાની છે. તેના જન્મદિવસ પર આજે જીત મેળવવી પડશે. તે પણ આ એક મેચ જેમાં હારવાની મનાઈ છે. આમ પણ મોટી મેચોમાં મેદાન મારવુ તેને માટે ડાબા હાથનો ખેલ છે. આથી જ વિશ્વ તેને યુનિવર્સ બોસ (Universe Boss) કહે છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ ક્રિસ ગેઇલ (Chris Gayle) ની.
21 સપ્ટેમ્બર, 1979 ના રોજ જન્મેલા ગેઇલ આજે તેનો 42 મો જન્મદિવસ ઉજવશે. પરંતુ તે પહેલા મેચને રમશે. આ IPL 2021 ની 32 મી મેચ હશે, જે આજે સાંજે દુબઈમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (Punjab vs Rajasthan) વચ્ચે રમાશે. આ મેચમાં ગેઇલ પંજાબની ટીમનો હિસ્સો છે. તે રાજસ્થાન સામે ટીમને જીતાડવા સાથે જન્મદિવસની ઉજવણીની મજા બમણી કરવાનો પ્રયાસ કરશે.
IPL 2021 માં બીજા તબક્કાની રમત રમાઇ રહી છે. જેમાં હવે સમજો કે ક્રિસ ગેઇલ ને પંજાબ કિંગ્સ (Punjab Kings) માટે મેચ જીતવી કેમ જરૂરી છે. જો પંજાબ આમ નહીં કરે તો, પંજાબની ટીમ ટાઇટલની રેસથી વધુ દૂર રહેશે. અત્યારે તે 3 જીત અને 3 હાર સાથે 8 મેચ બાદ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7 માં નંબરે છે. આ દરમ્યાન જેની સાથે તે આજે ટક્કર થવાની છે તે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે છે. રાજસ્થાન રોયલ્સની ટીમે પંજાબ કરતા એક મેચ ઓછી રમી છે. જે 7 મેચમાંથી 3 જીત અને 4 હાર સાથે 6 પોઈન્ટ ધરાવે છે.
જો આજે બર્થ ડે બોય ક્રિસ ગેઇલનું બેટ દુબઈમાં ચાલે તો, પંજાબને જીતવાથી કોઈ રોકી શકે નહીં. તે એકલો જ તહલકો મચાવી શકે છે. આમ તો ગેઇલને બોલરોનો કાળ કહેવામાં આવે છે. પરંતુ, રાજસ્થાન કેમ્પમાં સામેલ બોલર તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આનું કારણ એ છે કે તેની સામે ગેઇલનો રેકોર્ડ એટલો મજબૂત નથી. જ્યારે પણ સામ-સામે બંને થયા છે, ત્યારે આ એક બોલર જરુર તેની પર હાવી રહ્યો છે. રાજસ્થાનના તે બોલરનું નામ ક્રિસ મોરિસ છે. તોફાની સ્વભાવના બેટ્સમેન ગેઇલે T20 માં ક્રિસ મોરિસના 61 બોલનો સામનો કર્યો છે, પરંતુ તે તેના પર માત્ર 58 રન જ બનાવી શક્યો છે. આ દરમ્યાન તે 3 વખત મોરિસની જાળમાં પણ ફસાયો છે.
વિશ્વનો પ્રથમ T20 સુપરસ્ટાર માનવામાં આવે છે, ગેઇલ T20 ક્રિકેટમાં 10000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. જ્યારે IPL ની વાત આવે છે, ત્યારે તેના કરતા ભાગ્યે જ કોઈ વધુ આગળ જોવા મળે છે. ગેઇલે સૌથી ઝડપી સદી અને T20 માં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અને આ બંને ચમત્કાર તેણે 2011 માં પૂણે વોરિયર્સ સામે 66 બોલમાં 175 રનની ઇનિંગ દરમ્યાન કર્યા હતા. જ્યારે IPL માં RCB તરફથી રમતા હતા. તે T20 માં 1000 સિક્સર ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. પંજાબની ટીમ તેના પ્રથમ આઈપીએલ ખિતાબની રાહ જોઈ રહી છે, જે ગેઈલની રમત સાથે સમાપ્ત થઈ શકે છે.
Published On - 9:09 am, Tue, 21 September 21