IPL 2021 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચેની મેચમાં એક ખૂબ જ રસપ્રદ ઘટના જોવા મળી હતી. મેચમાં દિલ્હી કેપિટલ્સનો બેટ્સમેન આઉટ થયા બાદ મેદાનની બહાર ગયો હતો. પરંતુ તે પછી ચોથા અમ્પાયરે તેને ફરી પાછો મોકલ્યો હતો. આ બેટ્સમેન શિમરોન હેટમાયર (Shimron Hetmyer) હતો અને તેને મેચમાં એવી લાઈફલાઈન મળી, જેની કદાચ આ બેટ્સમેને અપેક્ષા પણ ન કરી હોય.
શિમરોન હેટમાયરને 17 મી ઓવરમાં જીવન મળ્યું. વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) ને મોટો શોટ મારવાના પ્રયાસમાં હેટમાયરન સિધો જ શુભમન ગિલના હાથે કેચ થયો હતો. હેટમાયર ખૂબ જ નિરાશા સાથે તૂટેલા હૃદયે પરત ફર્યો. પણ ત્યાર પછી ત્રીજા અમ્પાયરે વરુણ ચક્રવર્તીના પગલાને ચેક કર્યો, જે ક્રિઝથી આગળ હતો. હેટમાયર ડગ આઉટમાં નિરાશ થઈને બેઠો હતો અને ત્રીજા અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યો. ત્રીજા અમ્પાયરનો નિર્ણય જોઈને તે આનંદથી કૂદી પડ્યો અને તરત જ મેદાનની અંદર આવ્યો હતો.
તેને જીવતદાન મળ્યુ કે તરત જ શિમરોન હેટમાયરે કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરો પર આક્રમણ કરવાનું શરૂ કરી દીધું. આ બેટ્સમેને લોકી ફર્ગ્યુસનની એક જ ઓવરમાં બે લાંબી સિક્સર ફટકારી હતી. પરંતુ 19 મી ઓવરમાં હેટમાયરે ભૂલ કરી, જેના કારણે તેણે પોતાની વિકેટ ગુમાવી. હેટમાયરે વેંકટેશ અય્યરની સામે એક રન ચોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના જબરદસ્ત થ્રો વડે દિલ્હીના બેટ્સમેનને પેવેલિયન પરત ફરવાની ફરજ પડી હતી. હેટમાયરે 10 બોલમાં 17 રન બનાવ્યા હતા. હેટમાયરના આ રીતે રનઆઉટ થવાના કારણે દિલ્હીને ખૂબ સહન કરવું પડ્યું હતુ.
પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટે 135 રન બનાવ્યા હતા. શારજાહની મુશ્કેલ પીચ પર શિખર ધવને દિલ્હી માટે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે પણ અણનમ 30 રનની ઈનિંગ રમી હતી. માર્કસ સ્ટોઇનિસ અને પૃથ્વી શોએ 18-18 રનની ઇનિંગ રમી હતી. વરુણ ચક્રવર્તી કોલકાતા માટે સૌથી સફળ બોલર હતા. તેણે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. લોકી ફર્ગ્યુસન અને શિવમ માવીએ પણ 1-1 વિકેટ લીધી હતી.