IPL 2021 માં લીગ સ્ટેજના છેલ્લા દિવસે જબરદસ્ત તોફાન જોવા મળ્યું હતું. પહેલા ઇશાન કિશન (Ishan Kishan) અને બાદમાં સૂર્યાકુમાર યાદવે (Suryakumar Yadav) જબરદસ્ત રમત રમી હતી. બંનેએ રનનુ વાવાઝોડુ સર્જ્યુ હતુ. બોલરોને રીતસરના ઝૂડી નાંખ્યા હતા. અને દર્શકોને મેચમાં રોમાંચની તમામ હદોને પાર કરાવતુ પ્રદર્શન બંને એ કર્યુ હતુ. ઇશાન આ સાથે જ કેટલાક રેકોર્ડ પણ તોડી નાંખ્યા. હવે તે સૌથી ઝડપી અર્ધશતક (Fastest Fifties) ફટકારનાર ટોપ થ્રીની યાદીમાં પણ સામેલ થઇ ચુક્યો છે.
આમ તો મુંબઇ ઇન્ડીયન્સને કિશાન અને સૂર્યાકુમારનુ આઉટ ફોર્મ જ સૌથી વધુ લીગ તબક્કામાં નડી ગયુ હતુ. જેના કારણે જ તેઓએ એક બાદ એક મેચ ગુમાવવી પડી હતી. એ વાત પણ સ્વિકારવી એ સ્વાભાવિક છે. જોકે તેઓએ અંતિમ મેચમાં જ કરો અથવા મરો ધોરણે રમત રમી બતાવી હતી. આ સાથે જ તેમનામાં રહેલુ કૌવત પણ દર્શાવી દીધુ હતુ.
સૌથી ઝડપી અર્ધશતક નોંધાવનારો બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) છે. પંજાબ કિંગ્સનો કેપ્ટન રાહુલ છેલ્લી બે સિઝનમાં 600 પ્લસ રન તો નોંધાવી રહ્યો છે, પરંતુ તેનુ બેટ આક્રમક છે, એ પણ આ રેકોર્ડ પર થી દેખાય છે. 2018માં તેણે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 14 બોલમાં જ અર્ધશતક નોંધાવ્યુ હતુ. તેની આ રમતે દિલ્હીના બોલરોને જાણે કે દિવસે તારા બતાવ્યા હતા.
ત્યાર બાદ 15 બોલમાં અર્ધશતક નોંધાવીને બીજા સ્થાને બે બેટ્સમેનોના નામ નોંધાયેલા છે. જેમાં યુસુફ પઠાણ અને સુનિલ નરેન સામેલ છે. ઓલરાઉન્ડર યુસુફ પઠાણે 2014 માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આ અર્ધશતક ફટકાર્યુ હતુ. જ્યારે નરેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 2017માં આ તોફાની અર્ધશતક નોંધાવ્યુ હતુ.
ત્રીજુ ઝડપી અર્ધશતક પણ હવે બે બેટ્સમેનોના નામે છે. જેમાં પહેલા માત્ર સુરેશ રૈના એક માત્ર નામ હતુ, તેની સાથે હવે ઇશાન કિશનનુ નામ પણ જોડાઇ ચુક્યુ છે. રૈનાએ પંજાબ કિંગ્સ સામે 2014માં 16 બોલમાં ફીફટી ફટકારી હતી. ઇશાને 2021 ની સિઝનમાં એટલે કે શુક્રવારની મેચમાં 16 બોલમાં અર્ધશતક ફટકાર્યુ હતુ.
ઇશાન કિશને હૈદરાબાદ સામે ફટકારેલી ફીફટી મુંબઇ ઇન્ડીયન્સ તરફ થી કોઇ બેટ્સમેને નોંધાવેલી સૌથી ઝડપી છે. આ પહેલા ઇશાન કિશનના નામે મુંબઇ તરફ થી સૌથી ઝડપી અર્ધશતક નોંધાવનારા હાર્દિક પંડ્યા અને કિયરોન પોલાર્ડ સાથે સંયુક્ત રીતે રેકોર્ડ નોંધાયેલો હતો. જેમાં તેઓએ 17 બોલમાં ફીફટી નોંધાવી હતી. પોલાર્ડ 17 બોલમાં બે વાર અર્ધશતક નોંધાવી ચુક્યો હતો. ઇશાને કોલકાતા સામે 17 બોલમાં અર્ધશતક નોંધાવ્યુ હતુ.