IPL 2021 સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) માટે સારું રહ્યું નથી. જોકે, આ ટીમે સોમવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને સાત વિકેટે હરાવી હતી. સનરાઇઝર્સ માટે પ્લેઓફમાં જવું પહેલેથી જ અશક્ય છે, પરંતુ આ જીત બાદ તેઓએ રાજસ્થાન માટે પણ અંતિમ-4 માં પહોંચવું મુશ્કેલ બનાવી દીધું છે. જોકે, તેના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) સનરાઇઝર્સની જીતથી ખૂબ જ ખુશ છે.
કેપ્ટન કેન વિલિયમસને ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. વિલિયમ્સને કહ્યું કે રાજસ્થાન પર જીત નોંધાવ્યા બાદ ટીમના પ્રદર્શનમાં ઘણો સુધારો થયો છે અને કહ્યું કે ઘણા લાંબા સમય બાદ તે થોડું સારું અનુભવી રહ્યો છે.
165 રનના ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદે 18.3 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 167 રન બનાવીને 10 મેચમાં સિઝનની બીજી જીત નોંધાવી હતી. ટીમ માટે પ્રથમ મેચ રમી રહેલા જેસન રોયે (Jason Roy) 60 (42 બોલમાં) અને વિલિયમસને અણનમ 51 (41 બોલ) બનાવ્યા હતા. વિલિયમસને મેચ બાદ કહ્યું હતું કે, છેવટે કંઈક સારું લાગે છે. અમે કહી શકીએ કે અમારું પ્રદર્શન સુધર્યું છે. આજે ખેલાડીઓની ભૂમિકા પહેલાથી નક્કી કરવામાં આવી હતી. હું યુવા ખેલાડીઓને પ્રદર્શન કરતા જોવા માંગતો હતો.
વિલિયમ્સને રોયની ઇનિંગની પ્રશંસા કરી હતી. જ્યારે મેચમાં વાપસી માટે તેના બોલરોની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, રાજસ્થાનની ઇનિંગની છેલ્લી બે ઓવર અમારા માટે ખૂબ મહત્વની હતી. સંજુ (સેમસન) સારી બેટિંગ કરે છે પણ અમે તેને એક સ્કોર પર રોકવામાં પણ સફળ રહ્યા હતા, જેને હાંસલ કરી શકાયો હોત. રોયે ટીમમાં ઉર્જાનો સંચાર કર્યો. તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેને તક મળી રહી ન હતી પરંતુ તે હંમેશા રમવા માટે તૈયાર હતો.
જેસન રોયને તેની શાનદાર ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. સનરાઇઝર્સ માટે આ તેની પ્રથમ મેચ હતી અને તે પોતાની પહેલી જ મેચમાં અડધી સદી ફટકારીને ખુશ છે. તેણે કહ્યું, હું ખૂબ ખુશ છું, હું આ તક માટે સનરાઇઝર્સ (હૈદરાબાદ) નો આભારી છું. હું રમી રહ્યો ન હતો પરંતુ હું નેટ સત્રમાં સખત મહેનત કરી રહ્યો હતો. આ પુરસ્કાર માટે આભાર. અમે સારું કર્યું હતુ. ધ્યેય પ્રાપ્ત કર્યાનો આનંદ છે. આ અમારા માટે અઘરી ટુર્નામેન્ટ રહી છે, પરંતુ આજે અમે એક મોટા લક્ષ્યનો પીછો કર્યો જે શાનદાર છે.