ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝમાં (IND v SL) મોહાલીમાં રમાયેલ પહેલી મેચમાં પહેલો દિવસ ભારત (Team India) માટે શાનદાર રહ્યો હતો. પહેલા દિવસના અંતે ભારતનો સ્કોર 357/6 રહ્યો હતો. રમતના અંતે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) 45* રન અને રવિચંદ્રન અશ્વિન 10* રને મેદાન પર હતા. ભારત તરફથી રિષભ પંતે (Rishabh Pant) સૌથી વધુ 96 રન કર્યા છે. જ્યારે હનુમા વિહારીએ 58 રન, વિકાટ કોહલી (Virat Kohli) એ 45 રન અને મયંક અગ્રવાલે 33 રન બનાવ્યા હતા. સુકાની રોહિત શર્માએ 29 રન કર્યા હતા.
મહત્વનું છે કે મોહાલીમાં રમાનાર ટેસ્ટ મેચ પર તમામની નજર છે. કારણ કે ભારતના પૂર્વ સુકાની વિરાટ કોહલીની આ ટેસ્ટ કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ છે. જેને તે વિશેષ બનાવવા માંગશે. જોકે વિરાટ કોહલી પહેલી ઇનિંગમાં 45 રન બનાવી શક્યો હતો. બીજી તરફ ભારતના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે પહેલા દિવસે શાનદાર બેટિંગ કરી હતી. રિષભ પંતે 97 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી તાબડતોબ 96 રનની ઇનિંગ રમી હતી. જોકે તે ટેસ્ટ ક્રિકેટમાં પાંચમીવાર નર્વસનાઇન્ટીમાં આઉટ થયો હતો.
92 WI in Rajkot, 2018
92 WI in Hyderabad, 2018
97 AUS in Sydney, 2021
91 ENG in Chennai, 2021
96 SL in Mohali, Today#INDvSL #SaddaPunjab pic.twitter.com/gYgpejHwFR— Punjab Kings (@PunjabKingsIPL) March 4, 2022
ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર રોહિત શર્મા અને મયંક અગ્રવાલી જોડીએ ઝડપી રન બનાવવાનું શરૂ કર્યું અને પહેલી વિકેટ માટે 52 રનની ભાગીદારી નોંધાવી. આ જોડીને લાહિરુ કુમારે તોડી અને રોહિત શર્મા માત્ર 29 રન બનાવી આઉટ થયો હતો. તો બીજી વિકેટ 80 રનના ટીમ સ્કોર પર મયંક અગ્રવાલ આઉટ થયો હતો. મયંક 33 રન બનાવી લસિથની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. લંચ સુધી ભારતનો સ્કોર 26 ઓવરમાં 109/2 રહ્યો હતો.
લંચ બાદ વિહારી અને કોહલીએ શરૂઆતના સમયમાં સારી બેટિંગ કરી. આ વચ્ચે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 8000 રન પુરા કરવાની સિદ્ધી મેળવી. કોહલી ઘણી સારી બેટિંગ કરી રહ્યો હતો પણ એમ્બુલદેનિયાની ઓવરમાં બેકફુટ પર રમતી વખતે 45 રનના વ્યક્તિગત સ્કોર પર ક્લીન બોલ્ડ થઇ ગયો.
હનુમા વિહારીએ અડધી સદી પુરી કરી અને 58 રનના સ્કોર પર ફર્નાંડોનો શિકાર બન્યો. બ્રેક સુધી ભારતે 53 ઓવરમાં 199/4નો સ્કોર કર્યો હતો. રિષભ પંત 12 અને શ્રેયસ અય્યર 14 રન બનાવી ક્રિઝ પર હતા. આ સત્રમાં 27 ઓવરની રમતમાં 2 વિકેટના નુકસાન સાથે 90 રન બન્યા હતા.
બ્રેક બાદ રિષભ પંત અને શ્રેયસ અય્યર વચ્ચે 50 રનની ભાગીદારી નોંધાઇ હતી. ધનંજય ડી સિલ્વાએ શ્રેયસ અય્યરને 27 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. અહીંથી પંત અને જાડેજાની તોફાઇ ભાગીદારીની શરૂઆત થઇ હતી અને શ્રીલંકાના બોલરોને એક પણ તક આપી ન હતી અને છઠ્ઠી વિકેટ માટે બંને ખેલાડીઓએ 118 બોલમાં 104 રનની ભાગીદારી નોંધાવી હતી.
જોકે રિષભ પંત સદીથી ચુક્યો હતો અને ટેસ્ટ ક્રિકેટમાં પાંચમી વાર નર્વસ નાઇન્ટીમાં આઉટ થયો હતો. તેણે 96 રનની ઇનિંગ રમી હતી. પહેલા દિવસની રમત પુરી થતાં 85 ઓવરમાં ભારતે 357/6 નો સ્કોર બનાવ્યો હતો. ત્રીજા સત્રમાં ભારતે 32 ઓવરમાં 2 વિકેટના ભોગે 158 રન બનાવ્યા હતા.