ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શનિવારે વનડે સિરીઝની બીજી મેચ રમાનારી છે. આ મેચ પણ બાર્બાડોઝમાં જ રમાશે, જ્યાં સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. કિંગ્સટન ઓવલ મેદાનમાં રમાનારી બીજી મેચને જીતીને ભારત શ્રેણી પોતાના નામ કરી લેવાનો ઈરાદો રાખી મેદાને ઉતરશે. પ્રથમ મેચમાં ભારતે 5 વિકેટથી જીત મેળવી હતી. આમ ભારત સિરીઝમાં 1-0 થી આગળ છે. ત્રણ મેચની શ્રેણીમાં બીજી વનડે જીતવા સાથે ટીમ ઈન્ડિયા અજેય થઈ જશે. આ માટે રોહિત શર્મા બીજી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં પરિવર્તન કરશે કે કેમ એ સવાલ છે.
પ્રથમ વનડે મેચમાં ભારત સામે માત્ર 115 રનનુ આસાન લક્ષ્ય હતુ, આમ છતાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમને ભૂલોને સુધારવા માટે પ્રયાસ કરશે. જોકે પ્રથમ મેચમાં ભારતે અનેક આશ્ચર્યજનક પ્રયોગ બેટિંગ ઓર્ડરમાં કર્યા હતા, જે બીજી મેચમાં જોવા મળવાની સંભાવનાઓ નથી. આમ રોહિત શર્મા હવે બીજી મેચમાં અગાઉની ભૂલોને દૂર કરવા ફેરફાર કરશે કે કેમ એવા પણ સવાલ થઈ રહ્યા છે.
ઈશાન કિશને ઓપનિંગમાં આવીને અડધી સદી ફટકારી હતી. જે હવે મીડલ ઓર્ડરમાં રમે એવી સંભાવના છે. આમ ઈશાન અંતિમ ઈલેવનમાં પોતાનુ સ્થાન જમાવી રાખશે એ નક્કી મનાય છે. જ્યારે બીજી મેચમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ ઓર્ડરમાં હવે પ્રયોગની શક્યતા નથી. આવી સ્થિતીમાં રોહિત શર્મા ઓપનર તરીકે શુભમન ગિલ સાથે નિયમીતરુપથી જોવા મળી શકે છે. વિરાટ કોહલી પણ પોતાના નિયમીત ક્રમ ત્રણ નંબર પર રમશે. સૂર્યકુમાર યાદવને લઈ જો અને તોની સ્થિતિ સર્જાઈ ગઈ છે.
સૂર્યા છેલ્લા કેટલાક સમયથી વનડે ફોર્મેટમાં ફોર્મ નથી મેળવી રહ્યો. તે સતત ફ્લોપ જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેને વધારે મોકો મળવાને લઈ ચર્ચા છે. તેના વિકલ્પ તરીકે સંજૂ સેમસનને જોવામાં આવી રહ્યો છે. સંજૂને ટીમ ઈન્ડિયામાં સૂર્યાના સ્થાને બેટિંગ કરતો જોઈ શકાય છે. જોકે આ સ્થિતિની સંભાવના બીજી મેચમાં ઓછી લાગી રહી છે.
ભારતીય બોલરોનુ પ્રદર્શન શાનદાર છે. પ્રથમ વનડે મેચમાં પણ ધમાલ મચાવતા ઓછા સ્કોર પર જ યજમાન વેસ્ટ ઈન્ડિઝને સમેટી લેવામાં ભારતીય બોલર સફળ રહ્યા હતા. ઉમરાન મલિકે પ્રથમ વનડે મેચમાં માત્ર ત્રણ જ ઓવર કરી હતી. પરંતુ હવે તેને બીજી મેચમાં વધારે મોકો મળી શકે છે. મુકેશકુમારને પણ ટીમમાં તક મળી રહેશે. કુલદીપ યાદવે કમાલની બોલિંગ કરીને કેરેબિયનોને મુશ્કેલી સર્જી દીધી હતી. રવિન્દ્ર જાડેજા સાથે તેનુ સમીકરણ તોડવાની કોઈ સંભાવના નથી. આમ માની શકાય કે બાર્બાડોઝમાં પ્રથમ મેચમાં ઉતારવામાં આવેલ પ્લેઈંગ ઈલેવન જ ફરીથી ઉતારવામાં આવી શકે છે. આમ ફેરફારની શક્યતાઓ ઓછી લાગી રહી છે.
Published On - 9:15 am, Sat, 29 July 23