ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે 3 મેચોની ટી20 શ્રેણી સમાપ્ત થઈ ચુકી છે. શ્રેણી ભારતને નામ પ્રથમ બે મેચના પરીણામ સાથે થઈ ચુકી હતી. ભારતીય ટીમે (Indian Cricket Team) તિરુઅનંતપુરમ અને ગુવાહાટી એમ બંને મેચ શાનદાર રીતે જીતી લીધી હતી. જોકે ઈન્દોરમાં રમાયેલી અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને ઘર આંગણે ક્લીન સ્વીપ કરવાનો ભારતનો ઈરાદો પુરો થઈ શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકાએ આબરુ બચાવવા પ્રવાસની પ્રથમ જીત મેળવવા માટે મરણીયો પ્રયાસ કરતા બેટીંગમાં પુરો દમ લગાવી દીધો હતો. રાઈલી રુસો (Rilee Rossouw) ની તોફાની સદી વડે ભારત સામે 227 રનનો સ્કોર 3 વિકેટ ગુમાવી નોંધાવ્યો હતો.
ભારતીય ટીમ 178 રનના સ્કોર પર જ 19મી ઓવરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ ભારતે અંતિમ મેચ 49 રને ગુમાવી હતી. જોકે ભારતે 2-1 થી ટી20 શ્રેણી જીતી હતી. અંતમાં દીપક ચાહરે ભારતીય ટીમને લક્ષ્યની નજીક લઈ જવા માટે સંઘર્ષ કર્યો હતો.
ભારતીય સુકાની રોહિત શર્મા ફરી એકવાર ઝડપથી વિકેટ ગુમાવી બેઠો હતો. આ વખતે શૂન્ય રને જ તે બોલ્ડ થઈને પરત ફર્યો હતો. કાગિસો રબાડાએ તેની વિકેટ ઝડપી હતી. રોહિત શર્મા ઈન્દોરમાં કેએલ રાહુલ આરામ પર બહાર રહેતા ઋષભ પંત સાથે ઓપનીંગમાં આવ્યો હતો. જોકે ઓપનીંગ જોડી શૂન્ય રને તુટી ગઈ હતી. બાદમાં બીજી વિકેટ પણ માત્ર 4 રનના સ્કોર પર ભારતે ગુમાવી દીધી હતી. આ વખતે શ્રેયસ અય્યર વિકેટ ગુમાવી બેઠો હતો. તે એલબીડબલ્યુ આઉટ થઈ માત્ર 1 રન નોંધાવી પરત ફર્યો હતો.
પંત અને દિનેશ કાર્તિકે સ્થિતીને સંભાળવા પ્રયાસ કર્યો હતો. બંનેએ જોકે આક્રમક શોટ પણ ફટકારવા રહેવાનુ યોગ્ય માન્યુ હતુ. આ દરમિયાન જ પંત ત્રીજી વિકેટના રુપમાં આઉટ થયો હતો. તે 14 બોલનો સામનો કરીને 27 રન નોંધાવી પરત ફર્યો હતો. તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા નોંધાવ્યા હતા. દિનેશ કાર્તિક પણ ચોથા ક્રમે આઉટ થયો હતો. તે 4 છગ્ગાની મદદ થી 21 બોલમા 46 રન નોંધાવી બોલ્ડ થયો હતો. ત્યાર બાદ ભારતીય બેટીંગ ઈનીંગ જાણે ફરી મેચમાં આવી શકી નહોતી. સૂર્યકુમાર યાદવ 8 અને હર્ષલ પટેલ 12 બોલમાં 17 રન નોંધાવી આઉટ થયો હતો. તેણે 1 છગ્ગો જમાવ્યો હતો. અક્ષર પટેલે 9 રન નોંધાવ્યા હતા.
દીપક ચાહરે પણ ઉમેશ યાદવ સાથે મળીને તોફાની રમત રમીને ભારતને લક્ષ્ય તરફ આગળ વધારવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે તે 17 બોલનો સામનો કરીને 31 રન નોંધાવી વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ઉમેશ યાદવે 9મી વિકેટ માટે તેને સારો સાથ પુરાવ્યો હતો.
ટોસ હારીને દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ બેટીંગ કરી હતી. દક્ષિણ આફ્રિકા માટે ઓપનર ક્વિન્ટન ડિકોક અને બાદમાં રાઈલી રુસોએ ત્રીજા નંબર પર આવીને જરદસ્ત ઈનીંગ રમી હતી. ડીકોક અડધી સદી નોંધાવી 68 રનનુ યોગદાન આપી પરત ફર્યો હતો. તેણે 4 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદ 43 બોલમાં આ રન નોંધાવ્યા હતા. જ્યારે રાઈલી રુસોએ 48 બોલમાં 100 રન નોંધાવ્યા હતા. તેણે શરુઆતથી આક્રમક અંદાજથી રમત રમી હતી. રુસોએ 8 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. બંનેની રમત વડે દક્ષિણ આફ્રિકાએ માટે મોટો સ્કોર ખડક્યો હતો.
Published On - 10:41 pm, Tue, 4 October 22