
ભારતે ICC T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની પ્રથમ પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં જીતી હતી. ટીમ ઈન્ડિયા (Team India) એ આ મેચમાં 6 રનથી રોમાંચક જીત મેળવી હતી, જેણે ચાહકોને છેલ્લી ઓવર સુધી જકડી રાખ્યા હતા. ભારત માટે, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે બેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો, જ્યારે મોહમ્મદ શમીએ 20મી ઓવર ફેંકીને તરખાટ મચાવી દીધો હતો. હવે, પ્રથમ મેચ જીત્યા બાદ, ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસ ધરાવે છે અને બીજી વોર્મ-અપ મેચ માટે તૈયારી કરી રહી છે. 19 ઓક્ટોબરે ભારતીય ટીમ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી પ્રેક્ટિસ મેચ રમશે. આ મેચમાં કેટલાક ખેલાડીઓને આરામ અપાશે એમ માનવામાં આવી રહ્યુ છે. તેથી રોહિત શર્મા (Rohit Sharma) ની ટીમમાં મોટા ફેરફારની અપેક્ષા છે.
ફોર્મમાં રહેલા સૂર્યકુમાર યાદવને ન્યૂઝીલેન્ડ સામેની બીજી પ્રેક્ટિસ મેચમાંથી આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. તેના સ્થાને દીપક હુડા અથવા ઋષભ પંત પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. સૂર્યકુમાર ટીમ ઈન્ડિયા માટે સતત રમી રહ્યો છે. 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે હાઈ વોલ્ટેજ મેચ હોવાથી સૂર્યકુમાર તેમાં મહત્વની ભૂમિકા ભજવશે. આમ સૂર્યાને આરામ આપી શકાય એમ છે.
દીપક હુડા અને ઋષભ પંતને તેમના ફોર્મ શોધવા માટે યોગ્ય મેચ મળી નથી. તેમને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામેની બિનસત્તાવાર પ્રેક્ટિસ મેચમાં તક મળી હતી પરંતુ તે અસફળ રહ્યા હતા. ઉપરાંત, પંત છેલ્લા કેટલાક મહિનાઓથી ફોર્મમાં નથી. પંતને ફોર્મ શોધવાની તક આપવામાં આવી શકે છે, જેને જરૂરીયા મુજબ બોલાવવામાં આવી શકે છે. જો હુડ્ડા અને પંત બંનેને રમાડવામાં આવે તો ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરમાંથી કોઈ એક રોહિત, કોહલી અને કેએલ રાહુલને આરામ આપવો પડશે.
ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે મેલબોર્ન સ્ટેડિયમમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા ભારત 19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે બીજી અને અંતિમ પ્રેક્ટિસ મેચ રમશે. બંને વચ્ચેની વોર્મ-અપ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.
રોહિત શર્મા, કેએલ રાહુલ/દીપક હુડા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.