ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી 3 મેચોની સિરીઝ ભારતે જીતી લીધી છે. ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે 68 રનમાં જ સમેટાઈ ગઈ હતી. હાર્દિક પંડયાએ 4 વિકેટ ઝડપી હતી. વનડેમાં ભારતીય ટીમે 3-0 થી ન્યુઝીલેન્ડને હાર આપ્યા બાદ, T20 સિરીઝમાં 2-1 થી હાર આપી હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમનો ભારત પ્રવાસ સમાપ્ત થયો હતો. હાર્દિક પંડ્યાએ T20 સિરીઝમાં ભારત માટે આગેવાની સંભાળી હતી. અમદાવાદમાં રમાયેલી સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ પસંદ કરી 234 રનનો સ્કોર 4 વિકેટના નુક્શાને ખડક્યો હતો. ભારત તરફથી શુભમન ગિલે શાનદાર આક્રમક સદી નોંધાવી હતી.
ન્યુઝીલેન્ડે લક્ષ્યનો પિછો કરવાની શરુઆત કરતા ભારતીય બોલરોએ કિવી ટીમને પરેશાન કરી દીધુ હતુ. એક બાદ એક બેટરોનો શિકાર ભારતીય બોલરોએ કર્યો હતો. ભારતે 168 રનથી વિજય મેળવ્યો હતો. અર્શદીપ સિંહે તેની પ્રથમ અને ઈનીંગની બીજી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ કિવી ટીમની હાર નિશ્ચિત બનાવી દીધી હતી. ભારતે છઠ્ઠીવાર પાવર પ્લેમાં 5 વિકેટ ઝડપી હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પર ભારતે બેટિંગમાં ધમાલ મચાવ્યા બાદ, બોલિંગમાં પણ તરખાટ મચાવ્યો હતો. ન્યુઝીલેન્ડની શરુઆત ખરાબ કરી દીધી હતી. પ્રથમ ઓવરમાં હાર્દિક પંડ્યાએ ઓપનીંગ જોડીને તોડી દેતા ફિન એલન (3 રન, 4 બોલ) ની વિકેટ ઝડપી હતી. બીજી ઓવરમાં ડેવેન કોન્વે (1 રન, 2 બોલ) અને માર્ક ચેપમેન ( શૂન્ય રન, 2 બોલ) ની વિકેટ અર્શદીપ સિંહે ઝડપી હતી. હાર્દિકે વધુ એક વિકેટ ગ્લેન ફિલિપ્સ (2 રન, 7 બોલ) ની મેળવતા 7 રનના સ્કોર પર ત્રીજી ઓવરમાં ન્યુઝીલેન્ડે 4 વિકેટ ગુમાવી હતી. આમ ભારતીય બોલરોએ કિવી ટીમની હાલત કંગાળ બનાવી દીધી હતી.
21 રનમાં અડધી ટીમ પેવેલિયન પરત મોકલવામાં ભારતીય બોલરો સફળ રહ્યા હતા. પાંચમી સફળતા ભારતને ઉમરાન મલિકે પાંચમી ઓવરમાં ઉમરાન મલિકે ઝડપી હતી. તેણે માઈકલ બ્રેસવેલ (8 રન, 8 બોલ) ની વિકેટ ઝડપી હતી. સુકાની મિશેલ સેન્ટનર (13 રન, 13 બોલ) ને શિવમ માવીએ પરત મોકલ્યો હતો. ઈશ સોઢી (શૂન્ય રન, 2 બોલ) ને પણ માવીએ પોતાનો શિકાર બનાવ્યો હતો.
ભારતીય બોલરોએ તરખાટ મચાવતી બોલિંગ કરી હતી. હાર્દિક પંડ્યાએ ભારત તરફથી સૌથી વધુ હાર્દિક પંડ્યાએ 4 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે 3 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિક અને શિવમ માવીએ 2-2 વિકેટ ઝડપી હતી. ઉમરાને આજે 2.1 ઓવર કરીને માત્ર 9 રન જ ગુમાવ્યા હતા. જ્યારે અર્શદીપે 3 ઓવરમાં 16 રન આપ્યા હતા.
ટીમ ઈન્ડિયાની ઓપનીંગ જોડી ભલે 7 રનના સ્કોર પર તૂટી હોય પરંતુ ઓપનર શુભમન ગિલે અમદાવાદમાં જમાવાટ કરી દીધી હતી. ઈશાન માત્ર 1 જ રન નોંધાવીને પરત ફર્યો હતો. ટીમ ઈન્ડિયાના ઓપનર ગિલે 7 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદ થી 63 બોલમાં 126 રનની શાનદાર સદી નોંધાવી હતી. ગિલ સાથે મળીને રાહુલ ત્રિપાઠીએ સારી ભાગીદારી નોંધાવતા 22 બોલમાં 44 રન નોંધાવ્યા હતા. ત્રિપાઠીએ 3 છગ્ગા જમાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 13 બોલનો સામનો કરીને 2 છગ્ગાની મદદથી 24 રન નોંધાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ એક છગ્ગો ફટકારી 17 બોલમાં 30 રન નોંધાવ્યા હતા.
અમદાવાદમાં આતશી બેટિંગ કરતા 21 ચોગ્ગા અને 13 છગ્ગા ભારતીય બેટ્સમેનોએ ફટકાર્યા હતા. આમ 4 વિકેટના નુક્શાન પર ભારતે નિર્ધારિત ઓવરમાં 234 રન નોંધાવ્યા હતા. માઈક બ્રેસવેલ, ટિકનર, ઈશ સોઢી અને ડેરેલ મિશેલે એક એક વિકેટ ઝડપી હતી. બ્લેર ટિકનેર પર સૌથી વધારે સરેરાશથી રન ભારતીય બેટરોએ નિકાળ્યા હતા.
Published On - 10:09 pm, Wed, 1 February 23