કાનપુર ટેસ્ટ (India vs New Zealand, 1st Test)ના બીજા દિવસે ન્યુઝીલેન્ડનો દબદબો રહ્યો, પરંતુ ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે (Shreyas Iyer) પણ પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા. શ્રેયસે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જ શાનદાર સદી ફટકારી હતી. કાનપુરમાં અય્યરે 105 રનની ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂમાં સદી ફટકારનાર ત્રીજા ભારતીય બેટ્સમેન છે. અય્યર તેની સદીથી ખૂબ જ ખુશ દેખાયો અને તેણે બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી ખુલાસો કર્યો કે તે રાત્રે બરાબર ઉંઘી શકતો નથી.
શ્રેયસ અય્યરે કહ્યું, ‘હું પહેલા દિવસથી ખૂબ જ ખુશ હતો કારણ કે મારી સાથે બધું બરાબર ચાલી રહ્યું હતું. હું કાલે રાત્રે ઊંઘી શક્યો ન હતો. હું આખી રાત મારી ઇનિંગ્સ વિશે વિચારતો રહ્યો અને બીજા દિવસે કેવી રીતે રમીશ તેની કલ્પના કરતો રહ્યો. મને લાગે છે કે મેં પહેલા દિવસે સારી બેટિંગ કરી હતી અને તે જ હું બીજા દિવસે પણ ચાલુ રાખવા માંગતો હતો.
બીજા દિવસની રમત પૂરી થયા પછી સુનીલ ગાવસ્કરે શ્રેયસ અય્યર સાથે મજાક કરી હતી. સુનીલ ગાવસ્કરે શ્રેયસ અય્યરને પૂછ્યું, મેં તને જે ડેબ્યુ કેપ આપી હતી એ તે કેમ ન પહેરી? આ સાંભળીને અય્યર હસવા લાગ્યો અને તેણે કહ્યું કે સૂર્યના તડકાને કારણે તેણે ગોળ ટોપી પહેરી છે. અય્યરને સુનીલ ગાવસ્કર પાસેથી ડેબ્યૂ ટેસ્ટ કેપ મળી હતી. અય્યરે કહ્યું, ‘ગાવસ્કર સરએ મને ડેબ્યૂ કેપ આપીને ખૂબ પ્રોત્સાહિત કર્યો હતો. ગાવસ્કરે કહ્યું હતું કે આગળ જોશો નહીં, બસ એન્જોય કરો.
અય્યરે વધુમાં કહ્યું, ‘હું રાત્રે બરાબર ઉંઘી શકતો ન હતો અને હું સવારે 5 વાગ્યે જાગી ગયો હતો. પરંતુ મેં સદી ફટકારી ત્યાર બાદ મને ખૂબ સારું લાગે છે.’ ન્યૂઝીલેન્ડના વળતા હુમલા પર શ્રેયસ અય્યરે કહ્યું કે કિવી બેટ્સમેનોએ સારી શરૂઆત કરી છે. પરંતુ અમારા માટે એ મહત્વનું છે કે સરળતાથી રન ન આપો, કારણ કે પિચમાં તિરાડ ખુલી રહી છે અને ત્રીજા દિવસે ત્યાં બેટિંગ કરવી મુશ્કેલ બનશે.
Published On - 5:52 pm, Fri, 26 November 21