
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટી20 સિરીઝ પૂર્ણ થયા બાદ હવે વન જે શ્રેણીનો પ્રારંભ થયો છે. ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ ઓવલમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય. કેપ્ટનની આ યોજના સફળ નિવડી હતી અને જે મુજબ ભારતીય બોલરોએ ઈંગ્લીશ બેટ્સમેનોની હાલત કફોડી બનાવી દીધી હતી. શરુઆતની 8 ઓવરમાં જ ઇંગ્લેન્ડે પોતાની અડધી ટીમને આઉટ થઈને નિરાશ સ્થિતીમાં પેવેલિયનમાં જોવી પડી હતી. જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) તરખાટ મચાવતા જાણે ઈંગ્લીશ ખેલાડીઓએ ઘૂંટણ ટેકવી દીધા હતા. તેણે 6 વિકેટ ઝડપી હતી. આમ ઈંગ્લેન્ડ 25.2 ઓવરમાં જ 110 રનનો સ્કોર નોંધાવીને સમેટાઈ ગયુ હતુ.
જસપ્રીત બુમરાહ રીતસરનો ઈંગ્લીશ ટીમ પર ત્રાટક્યો હતો, તેણે શરુઆતથી જ ઈંગ્લીશ ટીમ પર આફતના વાદળો ઘેરી દીધા હતા. જસપ્રીત બુમરાહ ઈનીંગની બીજી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરથી તેણે શિકાર કરવાની શરુઆત કરી દીધી હતી. બુમરાહે આ ઓવરના ચોથા બોલ પર જેસન રોય (શૂન્ય રન, 5 બોલ) ને બોલ્ડ કરી દીધો હતો. સ્ટંપ ઉખેડવા સાથે જ ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓનુ પેવેલિયન અને પિચ પર આવવા જવાનો સિલસિલો શરુ થઈ ગયો હતો. કારણ કે બુમરાહે તેના પછી તુરત જ એ ઓવરના અંતિમ બોલે જો રુટ (શૂન્ય રન, 02 બોલ) ની વિકેટ ઝડપી હતી. રુટ વિકેટકીપર ઋષભ પંતના હાથમાં કેચ ઝડપાયો હતો. બંને ખેલાડીઓને રુટે શૂન્યમાં જ પેવેલિયન પરત મોકલ્યા હતા.
શમીએ પણ બુમરાહના એટેકીંગ અભિયાનમાં સાથ પુરાવ્યો હતો. શમી એ 3 વિકેટ ઝડપી હતી. તેણે બેન સ્ટોક્સને શૂન્માં પરત મોકલ્યો હતો. સ્ટોક્સ ગોલ્ડન ડક આઉટ ત્રીજી ઓવરના ચોથા બોલ પર થયો હતો. તે વિકેટકીપર ઋષભ પંતના હાથમાં કેચ ઝડપાયો હતો. આમ ઈંગ્લેન્ડે સ્કોર બોર્ડ પર બે આંકડામાં રન નોંધાવતા પહેલા જ ત્રણ વિકેટ ગુમાવી દીધા હતા અને ત્રણેય શૂન્ય રન નોંધાવીને જ પરત ફર્યા હતા.
બુમરાહનો એટેક જારી હતો તેણે આગલ જોની બેયરિસ્ટો અને લિયામ લિવિંગસ્ટોનનો પણ શિકાર કર્યો હતો. છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર બેયરિસ્ટો 20 બોલનો સામનો કરીને માત્ર 7 રન જ નોંધાવી શક્યો હતો. તે ઋષભ પંતના હાથમાં કેચ ઝડપાયો હતો. ત્યાર બાદ લિયામ 8 બોલનો સામનો કરીને શૂન્યમાં વિકેટ ગુમાવી દઈ પરત ફર્યો હતો. તેને ક્લીન બોલ્ડ બુમરાહે કર્યો હતો.
કેપ્ટન જોસ બટલરે ટીમને સન્માનજનક સ્કોર પર પહોંચાડવા માટે પ્રયાસ કર્યો હતો. તેની સંઘર્ષ ભરી રમત 6 ચોગ્ગા સાથે 30 રનનુ યોગદાન આપી શકી હતી, જે ઈંગ્લેન્ડ તરફથી સૌથી મોટી ઈનીંગ હતી. શમીએ બાઉન્ડ્રી પર સૂર્યકુમાર યાદવના હાથે બટલરને કેચ આઉટ કરાવ્યો હતો. બટલર શમીના શોર્ટ બોલને સમજી શક્યો નહીં અને તે ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ પુલ કર્યો હતો, જ્યાં સૂર્યકુમારે શાનદાર કેચ ઝડપી લીધો હતો.
ડેવિડ વિલીએ પણ 21 રન જોડીને સ્કોર બોર્ડને 100 રનને પાર કરાવવામાં મદદ કરી હતી. તે અંતિમ વિકેટના રુપમાં બુમરાહના બોલ પર બોલ્ડ થયો હતો. મોઈન અલી 14 રન નોંધાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર થયો હતો. જ્યારે ક્રેગ ઓવર્ટન 8 રન અને બ્રાઈડન કાર્સ 15 રન નોંધાવીને પરત ફર્યા હતા.
આ મેચમાં જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ માટે સૌથી મોટી આફત સાબિત થયો હતો. તેણે ટોપ અને મિડલ ઓર્ડરના 4 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. તેના 7.2 ઓવરના સ્પેલમાં, બુમરાહે માત્ર 19 રન ખર્ચ્યા અને 6 વિકેટ લીધી, જે ઈંગ્લેન્ડ સામેની ODIમાં ભારતનો સર્વશ્રેષ્ઠ બોલિંગ રેકોર્ડ છે. તેણે 2003ના વર્લ્ડ કપમાં આશિષ નેહરાના 6/23ના રેકોર્ડને તોડ્યો હતો.
તે જ સમયે, શમી (3/31) પણ રેકોર્ડના મામલે પાછળ રહ્યો નથી. તે ODIમાં સૌથી ઓછી મેચોમાં 150 વિકેટ લેનારો ભારતીય બોલર બન્યો હતો. તેણે માત્ર 80 મેચમાં આવું કરીને અજીત અગરકર (97 મેચ)નો રેકોર્ડ તોડ્યો હતો.
Published On - 7:38 pm, Tue, 12 July 22