ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ મોહાલીમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણા કારણોસર ખૂબ જ ખાસ છે. સૌથી પહેલા તો આ મેચ વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ છે. ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્મા (Rohit Sharma) ની આ પ્રથમ મેચ છે. સાથે જ, ટીમ ઈન્ડિયા (India vs Sri Lanka) નો મિડલ ઓર્ડર હવે નવા ખેલાડીઓથી સજ્જ દેખાશે, કારણ કે લાંબા સમય બાદ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. રહાણે અને પુજારાની બહાર થવાથી યુવા ખેલાડીઓ માટે તક મળી છે. જોકે, આ દરમિયાન પણ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ એ વાત પર અટવાયું છે કે પુજારા-રહાણેને બદલે પ્લેઈંગ ઈલેવન (India Playing XI 1st Test) માં કયા ખેલાડીઓને તક આપવી જોઈએ? ભારતની જે પ્રકારની બેન્ચ સ્ટ્રેન્થ છે, તેના માટે આ સમસ્યાનો સામનો કરવો સારી વાત છે.
રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડી હંમેશા પિચ, હરીફ અનુસાર પ્લેઈંગ ઈલેવનને ઉતારે છે. બંનેનો ઉદ્દેશ્ય પ્લેઈંગ ઈલેવનમાં સંતુલન જાળવવાનો છે. મોહાલીમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે, રહાણે-પુજારાની જગ્યાએ કોને મળશે તક? ચાલો તમને જણાવીએ કે મોહાલી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવન.
ભારતની ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા અને મયંક અગ્રવાલ પર રહેશે. રોહિત શર્માએ ટેસ્ટમાં મિડલ ઓર્ડરમાં ઘણી મેચો રમી પરંતુ અંતે તેને માત્ર ઓપનિંગ સ્લોટમાં જ અદ્ભુત સફળતા મળી. હવે રોહિત કેપ્ટન બની ગયો છે અને છતાં તે આ પદ પર રમવા જઈ રહ્યો છે. મયંક અગ્રવાલ તેની સાથે ઓપનિંગ કરતો જોવા મળશે કારણ કે કેએલ રાહુલ ટીમમાં નથી.
ચેતેશ્વર પૂજારાની જગ્યાએ શુભમન ગિલને ત્રીજા નંબર પર તક મળી શકે છે. જો આમ થશે તો ભારત નંબર 3 પર આક્રમક ખેલાડીને મેદાનમાં ઉતારવા જઈ રહ્યું છે. એક તરફ જ્યાં પૂજારા ડિફેન્સિવ ક્રિકેટ રમતો હતો, તો બીજી તરફ પોતાની આક્રમક બેટિંગ માટે પ્રખ્યાત શુભમન ગિલ હવે ભારતીય ટીમને એક નવા અંદાજમાં રજૂ કરશે. ચોથા નંબર પર માત્ર વિરાટ કોહલી જ ઉતરશે. 100મી ટેસ્ટમાં આ દિગ્ગજ ખેલાડી પાસેથી સદીનો દુષ્કાળ ખતમ થવાની આશાઓ છે.
અજિંક્ય રહાણેની જગ્યાએ બે દાવેદાર છે. પહેલું નામ- હનુમા વિહારી, બીજું નામ- શ્રેયસ અય્યર. હનુમા વિહારી ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ છે અને તેમને લાંબા સમયથી યોગ્ય રીતે તકો મળી નથી. તેણે ભારતની ધરતી પર માત્ર એક જ ટેસ્ટ રમી છે. તેને વિદેશમાં અલગ-અલગ બેટિંગ પોઝિશન પર પણ તક આપવામાં આવી હતી. હવે ટીમ ઈન્ડિયા હનુમા વિહારીને તક આપી શકે છે.
બીજી તરફ શ્રીલંકા સામે સિરીઝનો સર્વશ્રેષ્ઠ ખેલાડી અને ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર શ્રેયસ અય્યરને બહાર બેસવું પડી શકે છે. વિકેટકીપિંગની જવાબદારી હંમેશાની જેમ પંત પાસે રહેશે. આ સાથે જ જાડેજા અને અશ્વિનની જોડી ફરી એકવાર મેદાનમાં ઉતરશે. ફાસ્ટ બોલરોમાં શમી, બુમરાહ અને સિરાજ રમી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
Published On - 6:51 pm, Thu, 3 March 22