
ટીમ ઈન્ડિયા ગુરુવારે એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે તેની નજર ફાઈનલમાં જગ્યા બનાવીને પાકિસ્તાન સામે ટકરાવવા પર હશે. આજની મેચનુ પરિણામ લગભગ 10 વર્ષથી ચાલી રહેલી આઈસીસી ટ્રોફીની રાહનો અંત લાવી શકે. પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં જગ્યા પાક્કી કરી ચૂકી છે, હવે ચાહકોની નજર ટીમ ઈન્ડિયા પર છે જેથી મેલબોર્નમાં બંને ટીમો વચ્ચે બીજી હાઈવોલ્ટેજ મેચ જોવા મળી શકે.
ભારતે ગ્રુપ રાઉન્ડમાં ઈંગ્લેન્ડ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ હવે તે ભૂતકાળ બન્યો છે. ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પહેલા જ સ્વીકાર કરી ચૂક્યો છે કે તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો નથી. ભારતીય ટીમે એ સુનિશ્ચિત કરવું પડશે કે જોસ બટલર અને બેન સ્ટોક્સ સેમિફાઇનલ મેચમાં ફોર્મમાં પાછા ન આવે.
ICC ટૂર્નામેન્ટમાં છેલ્લા કેટલાક વર્ષોનો ઈતિહાસ પણ ભારતના પક્ષમાં નથી. ભારતીય ટીમ 2013થી છેલ્લા રાઉન્ડની અડચણ પાર કરી શકી નથી. તે 2014 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં અને 2016 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હારી ગઈ હતી. રોહિત શર્માએ અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ આ વખતે તે કંઈ ખાસ કરી શક્યો નથી. આવી સ્થિતિમાં, ક્રિકેટ ચાહકો ફરી એકવાર ઇચ્છશે કે રોહિતનું બેટ નોકઆઉટમાં જોરદાર ચાલે. પ્રેક્ટિસ દરમિયાન હાથમાં ઈજા પામેલો રોહિત હવે ફિટ હોવાનું અનુભવી રહ્યો છે.
વિરાટ કોહલી ફરી એકવાર કટ્ટર હરીફ આદિલ રશીદનો સામનો કરશે જ્યારે સૂર્યકુમાર યાદવની પરીક્ષા સેમ કુરાનના કટર સામે થશે. સ્ટોક્સનો સામનો હાર્દિક પંડ્યાની ઓલરાઉન્ડર ક્ષમતા સામે થશે. ભારતીય ટીમે સુપર 12 તબક્કામાં ચાર મેચ જીતી હતી પરંતુ દિનેશ કાર્તિક શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો ન હતો અને પાંચમા નંબરે રિષભ પંત મૂંઝવણમાં હતો કે આક્રમક રમવું કે રક્ષણાત્મક. ટૂંકી બાઉન્ડ્રી અને રાશિદની હાજરી પંતને વધુ સારો વિકલ્પ બનાવે છે પરંતુ તે જોવાનું રહે છે કે શું રાહુલ દ્રવિડનો કાર્તિક પ્રત્યેનો મોહભંગ થાય છે કે નહી.
જો ટુર્નામેન્ટનો સૌથી ઝડપી બોલર માર્ક વૂડ ઈજાને કારણે રમી શકતો નથી તો તે ભારત માટે સારું રહેશે કારણ કે ક્રિસ જોર્ડન કે ટાઈમલ મિલ્સ પાસે તે ગતિ નથી જે માર્ક વૂડ પાસે છે. સ્ટોક્સ અને શેમ કરણે ટૂર્નામેન્ટમાં સારી બોલિંગ કરી છે અને તે બન્ને ઈચ્છશે છે કે ભારત પ્રથમ બેટિંગ કરે. એડિલેડ પર 170નો સ્કોર સ્પર્ધામાં ટકી રહેવા માટે સારો માનવામાં આવી રહ્યો છે અને કાર્તિક અથવા પંત સાથે રોહિતે ભારતને સારી શરૂઆત આપવી જોઈએ.
રોહિતે ગુરુવારે મેચ પહેલા કહ્યું હતું કે, આ ટૂર્નામેન્ટમાં તે એક પડકાર હતો. ગયા વર્ષે દુબઈના નાના કદના મેદાનમા મેચ રમાઈ હતી. અમે જાણતા હતા કે દુબઈના મેદાનની એક બાજુની બાઉન્ડ્રી મોટી છે અને તે સિવાય મેદાનમાં અન્ય કોઈ ફેરફાર નથી. પરંતુ ઓસ્ટ્રેલિયામાં કેટલાક મેદાન મોટા છે અને કેટલાક નાના છે. તે પ્રમાણે અમારે અનુકુળ કરવું પડે છે.