
ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે (Team India) ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં 10 વિકેટે જીત મેળવીને શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની ઘાતક બોલિંગથી ઈંગ્લેન્ડને માત્ર 110 રનમાં સીમીત રાખ્યું હતું. ઈંગ્લેન્ડના આ સ્કોરના જવાબમાં ભારતીય ટીમે માત્ર 18.4 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 114 રન બનાવી લીધા હતા.
જો કે આ મેચ ગઈકાલે એટલે કે 12 જુલાઈના રોજ રમાઈ હતી. પરંતુ તેના એક દિવસ પછી 13 જુલાઈના રોજ 1974માં આ દિવસે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ વનડે રમી હતી. આ મેચમાં પણ ગઈકાલે રમાયેલી મેચ જેવી જ સ્થિતિ હતી. પરંતુ પરિણામ સાવ વિપરીત આવ્યું હતું.
Team India Scoreboard
ખરેખર આજથી બરાબર 48 વર્ષ પહેલા ભારત પોતાની પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું. આ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું અને ભારતની 4 વિકેટે હાર સાથે નિરાશાજનક શરૂઆત થઇ હતી. પરંતુ સમયનું પૈડું એવું ફર્યું કે તે જ ભારતીય ટીમે તેની પ્રથમ વનડેની 48મી વર્ષગાંઠના એક દિવસ પહેલા ઇંગ્લેન્ડને તે જ પાઠ ભણાવ્યો જે તેને આ ફોર્મેટની શરૂઆતની મેચમાં મળ્યો હતો.
ઈંગ્લેન્ડ દ્વારા પ્રથમ બેટિંગ કરવા માટેના આમંત્રણ બાદ ટીમ ઈન્ડિયા (Team India) એ નિર્ધારિત 55 ઓવરની મેચમાં 265 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે બ્રિજેશ પટેલે 78 બોલમાં સૌથી વધુ 82 રનની ઈનિંગ રમી હતી. જેમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. બ્રિજેશ પટેલ ઉપરાંત સુકાની અજીત વાડેકર બીજા નંબરના શ્રેષ્ઠ સ્કોરર રહ્યા હતા. તેણે ટીમ માટે 82 બોલમાં 67 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
England Team Bowling
આ સિવાય ઓપનર બેટ્સમેન સુનીલ ગાવસ્કરે 28 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે વિકેટકીપર બેટ્સમેન ફારૂક એન્જીનીરે 32 રન બનાવ્યા હતા. આ બે ખેલાડી સીવાય સુધીર નાઈકે 18 રન અને સૈયદ આબિદ અલી 17 રન બનાવ્યા હતા. આ સીવાય ગુંડપ્પા વિશ્વનાથે 4 રન, એકનાથ સોલકરે 3 રન, મદન લાલે 2 અને શ્રીનિવાસ વેંકટરાઘવને 1 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમે પોતાની પ્રથમ વનડે મેચમાં બેટિંગ કરતા 265 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યાર બાદ બોલરો સામે તેનો બચાવ કરવાનો પડકાર હતો. જો કે ટીમ ઈન્ડિયા આ મેચમાં જીત નોંધાવી શકી ન હતી. પરંતુ તેમ છતાં ભારતીય બોલરોએ યજમાન ઈંગ્લેન્ડના બેટ્સમેનોને નાક દબાવી રાખ્યા હતા.
England Team Batting Scoreboard
આ મેચમાં એકનાથ સોલકરે 11 ઓવરના સ્પેલમાં માત્ર 31 રન આપીને ટીમ ઈન્ડિયા માટે 2 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે એક ઓવર મેડન પણ ફેંકી હતી. તો બિશન બેદીએ પણ 11 ઓવરમાં 68 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય મદન લાલ અને શ્રીનિવાસ વેંકટરાઘવને એક-એક વિકેટ લીધી હતી.
ભારતીય ક્રિકેટ ટીમે પોતાની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ સામે 266 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અનુભવી ટીમ ઈંગ્લેન્ડ સામે આ કોઈ મામૂલી લક્ષ્યાંક ન હતો. તેથી જ આ લક્ષ્યાંક સુધી પહોંચવામાં યજમાન ટીમને 51.1 ઓવર રમવી પડી હતી. આ દરમિયાન તેણે પોતાની 6 વિકેટ પણ ગુમાવી હતી. ઈંગ્લેન્ડ તરફથી જોન એડ્રિચે સૌથી વધુ 90 રનની ઈનિંગ્સ રમી હતી.
આ સિવાય ટોની ગ્રેગે 40 રન બનાવ્યા હતા જ્યારે કીથ ફ્લેચરે 39 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ડેનિસ એમિસે 20 અને ડેવિડ લોયડે 34 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડનો સુકાની માઈક ડેનિસ આ મેચમાં માત્ર 8 રન બનાવી શક્યા હતા. આ સિવાય એલન નોટ 15 અને ક્રિસ ઓલ્ડે 5 રનનું યોગદાન આપ્યું હતું.
Team India Bowling
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1974માં પ્રથમ ODI મેચથી અત્યાર સુધીમાં કુલ 104 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું છે અને 56 મેચ જીતી છે. જ્યારે માત્ર 43માં ઈંગ્લેન્ડની ટીમને સફળતા મળી છે.
જ્યારે 2 મેચ ટાઈ રહી હતી. તો ત્રણ મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. અલબત્ત ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની હાર સાથે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં પદાર્પણ કર્યું હતું. પરંતુ તે પછી ભારતે હંમેશા આ ટીમ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.