
વિરાટ કોહલી (Virat Kohli) હાલ બ્રેક પર છે. તે પરિવાર સાથે લંડન અને પેરિસના પ્રવાસમાં છે. જ્યા તે અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે એક માસનો સમય પસાર કરશે તેવા અહેવાલો છે. પરંતુ, હવે નવા અહેવાલો સામે આવી રહ્યા છે, એ મુજબ હવે તે એક માસનો સમય રજાઓમાં ગાળી શકે એમ નથી. આમ તો પહેલા એમ હતુ કે, કોહલી સીધો જ એશિયા કપમાં હાજર થશે. જોકે BCCI નો એક નિર્ણય તેની રજાઓના સમયને ટૂંકાવી દે એમ છે. એટલે કે તેનો બ્રેક વહેલો સમાપ્ત થઇ શકે છે. ટીમ ઈન્ડિયાના પસંદગીકારો ઈચ્છે છે કે તે ઝિમ્બાબ્વે (India vs Zimbabwe) સામેની વન ડે શ્રેણીમાં રમતા જોવા મળે. પસંદગીકારોની આ ઈચ્છા પાછળ વિરાટ કોહલીનું આઉટ ઓફ ફોર્મ છે. વાસ્તવમાં, ટીમ પસંદ કરનારાઓ ઈચ્છે છે કે તેઓ તેમના ફોર્મમાં આવે.
ભારતે ઝિમ્બાબ્વે સામે 3 વન-ડે મેચોની શ્રેણી રમવાની છે અને તેમાં વિરાટ કોહલીને રમાડવો છે, આ ભારતીય પસંદગીકારોની ઈચ્છા છે. એક મીડિયા અહેવાલ મુજબ તેમને પસંદગી સમિતિના એક સભ્યએ કહ્યું, આશા છે કે, તેને મળેલો બ્રેક તેને માનસિક શક્તિ આપશે અને તે તેનું ફોર્મ પાછું મેળવવામાં સક્ષમ હશે. પરંતુ સત્ય એ પણ છે કે આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા વિના તમે ફોર્મમાં પરત ફરી શકતા નથી. આવી સ્થિતિમાં અમે ઈચ્છીએ છીએ કે તે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં રમે. વિરાટ ODI ક્રિકેટને પણ મહત્વ આપે છે અને અહીં રમવાથી તેને એશિયા કપ પહેલા તેનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવવામાં પણ મદદ મળશે. જો કે અમે આ અંગે અંતિમ નિર્ણય ટીમ સિલેક્શન સમયે લઈશું.
એવી અપેક્ષા છે કે ભારત ઝિમ્બાબ્વે પ્રવાસ માટે તેની બી-ટીમ મોકલશે, જેથી તમામ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે. તે ટીમની કમાન સંભવતઃ શિખર ધવનના હાથમાં હશે. ભારતીય પસંદગીકારો ઈચ્છે છે કે વિરાટ કોહલી તે શ્રેણીમાં પણ રમે, પરંતુ સમસ્યા એ છે કે આ શ્રેણી પછી ભારતે તરત જ એશિયા કપ રમવો પડશે, જે હવે શ્રીલંકાને બદલે યુએઈમાં રમાઈ શકે છે. ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણી 18 ઓગસ્ટથી શરૂ થવાની છે.
અગાઉ એવા અહેવાલ હતા કે વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ એક મહિનાની રજા લીધી છે. હવે તે ઓગસ્ટના અંતથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં સીધો જ રમતા જોવા મળશે. વિરાટ કોહલી 1 ઓગસ્ટથી એશિયા કપની તૈયારીઓ શરૂ કરવાનો હતો. પરંતુ હવે પસંદગીકારો ઈચ્છે છે કે તે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં રમે અને પોતાનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવવાનો પ્રયાસ કરે.
Published On - 9:35 am, Thu, 21 July 22