ઝડપી બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ભારતે શિખર ધવન (Shikhar Dhawan) અને શુભમન ગીલની (Shubman Gill) ઓપનિંગ જોડીની મદદથી પહેલી વનડેમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું હતું. દીપક ચહર, પ્રસિદ્ધ ક્રૃષ્ણા અને સ્પિનર અક્ષર પટેલે બોલિંગ કરીને યજમાન ઝિમ્બાબ્વેને માત્ર 189 રનમાં જ ઓલ આઉટ કરી દીધી હતી. જેના જવાબમાં ધવન અને ગીલે શાનદાર અડધી સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાને કોઈ પણ મુશ્કેલી વિના 31 ઓવરમાં ટાર્ગેટ સુધી પહોંચાડી દીધું. આ રીતે ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
શરૂઆતથી જ આ સિરીઝ ભારતીય ટીમ માટે બહુ મુશ્કેલ માનવામાં આવતી ન હતી અને આ તમામ આશાઓ મેદાન પર ભારતીય ખેલાડીઓએ સાચી સાબિત કરી હતી. પરંતુ ધવનની સાથે ગિલને ઓપનિંગમાં ઉતારીને ટીમ થોડી આશ્ચર્યચકિત હતી કારણ કે એવું માનવામાં આવતું હતું કે એશિયા કપ પહેલા કેપ્ટન કેએલ રાહુલ ઓપનિંગમાં આવી શકે છે. તેના બદલે ટીમે વેસ્ટ ઈન્ડિઝમાં શરૂ થયેલી ધવન અને ગિલની ઓપનિંગ જોડીને જાળવી રાખી હતી અને બંનેએ બીજી સદી ફટકારીને ટીમને સરળતાથી જીત અપાવી.
ઝિમ્બાબ્વેના સ્ટાર પેસર બ્લેસિંગ મુજરબાની વિના આ સિરીઝમાં ઝિમ્બાબ્વેની ટીમ ઉતરી હતી. પરંતુ ધવન અને ગિલની ઓપનિંગ જોડી ધીમી શરૂઆત કરી હતી, પરંતુ આ બંનેને રમવામાં કોઈ સમસ્યા થઈ ન હતી. ધવન સાવધાની સાથે બેટિંગ કરતો હોવા છતાં, ગિલે ધીમે ધીમે ગિયર્સ બદલવાનું શરૂ કર્યું અને ચાર મેચમાં તેની ત્રીજી અડધી સદી પૂરી કરીને રનની ઝડપ વધારી હતી. આ સાથે ધવને આ ચાર મેચમાં ત્રીજી સદીની ભાગીદારી પણ કરી હતી. ગિલ 82 રન (72 બોલ, 10 ચોગ્ગા, 1 છગ્ગા) અને ધવને 81 રન (113 બોલ, 9 ચોગ્ગા) બનાવીને અણનમ પરત ફર્યા હતા.
આ પહેલા દીપક ચહર, પ્રસિદ્ધ કૃષ્ણા અને અક્ષર પટેલની 3-3 વિકેટના આધારે ભારતે ઝિમ્બાબ્વેને ઓલ આઉટ કરી દીધું હતું. ટીમમાં વાપસી કરી રહેલા દીપક ચહરે શાનદાર શરૂઆત કરી હતી અને પહેલા પાવરપ્લેમાં જ ઝિમ્બાબ્વેની ટોપ 3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે પણ એક વિકેટ લીધી હતી.
Published On - 6:50 pm, Thu, 18 August 22