ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપ-2023 ( Asia cup 2023)ની ફાઇનલમાં યજમાન શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતવા માટે પ્રબળ દાવેદાર છે, પરંતુ પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં શ્રીલંકા જે રીતે રમી હતી તે જોતા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા વર્તમાન વિજેતાને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં. ગત વર્ષે શ્રીલંકાએ ટી-20 ફોર્મેટમાં રમાયેલા આ એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું અને હવે તે સતત બીજી વખત આ ટ્રોફી ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યું છે,
પરંતુ દાસુન શનાકાની કપ્તાનીમાં શ્રીલંકાની ટીમ પણ તે જાણે છે કે તેની સામે કેટલો મોટો પડકાર છે.ભારત અને શ્રીલંકા 2010 પછી પ્રથમ વખત એશિયા કપની ફાઇનલમાં ટકરાશે.
જો કે આ ટાઈટલ મેચ પહેલા બંને ટીમોની મુશ્કેલી વધી ગઈ છે કારણ કે બંને ટીમના એક-એક ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે. બાંગ્લાદેશ સામે ભારતના સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલના હાથમાં બોલ વાગ્યો હતો અને તેથી તે ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઓફ સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Sydney News: ઓસ્ટ્રેલિયન ખેલાડીની ધરપકડના કેસમાં નવો વળાંક, ડ્રગ્સ ડીલ અંગે થયો મોટો ખુલાસો
હવે જોવાનું એ રહેશે કે સુંદર પ્લેઇંગ-11માં રમે છે કે નહીં. જો રોહિત અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ત્રણ સ્પિનરો સાથે રમવાનું નક્કી કરે તો સુંદરનું રમવાનું નિશ્ચિત છે. તે રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સાથે જોડી બનાવશે. શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર મહિષ તિક્ષાના પણ ઈજાગ્રસ્ત થયા છે. તેને સ્નાયુઓમાં તાણની સમસ્યા છે. તેના સ્થાને સહન અરાચિગેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમ બેશક એશિયા કપની ફાઈનલ રમશે પરંતુ તેની નજર 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ પર રહેશે. જો ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતવામાં સફળ રહેશે તો વર્લ્ડ કપ પહેલા તેનું મનોબળ ઘણું વધી જશે અને આવી સ્થિતિમાં ભારતીય ટીમ વધુ ખતરનાક બની જશે. શ્રીલંકામાં પણ આવી જ સ્થિતિ છે. જો કે આ ટીમને બહુ મજબૂત માનવામાં આવતી નથી પરંતુ બધા જાણે છે કે આ ટીમ કોઈપણ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવે છે.
ભારતે બાંગ્લાદેશ સામેની સુપર-4ની છેલ્લી મેચમાં પાંચ ખેલાડીઓને આરામ આપ્યો હતો, જેમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજના નામ સામેલ હતા. આ તમામની ફાઇનલમાં વાપસી થશે તે નિશ્ચિત છે. ટીમ ઈન્ડિયા કયા કોમ્બિનેશન સાથે જાય છે તે જોવું રહ્યું.
જ્યારે ભારત અને શ્રીલંકાની ટીમો છેલ્લી મેચમાં સામસામે આવી હતી ત્યારે યજમાન ટીમના લેફ્ટ આર્મ સ્પિનર ડ્યુનિત વેલાલાગે ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. તેણે શુભમન ગિલ, રોહિત, વિરાટ, કેએલ રાહુલ જેવા મોટા ખેલાડીઓની વિકેટ લીધી હતી. આ વખતે જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો તેમની સામે શું તૈયારી કરે છે. છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ શાનદાર રહી હતી. આવી સ્થિતિમાં શ્રીલંકાની બેટિંગ પર પણ નજર રહેશે.