IND vs SL: શ્રીલંકાના પણ કર્યા સુપડા સાફ, ભારતે વેસ્ટ ઇન્ડિઝ બાદ વધુ એક T20 સિરીઝ 3-0 થી જીતી, શ્રેયસની શાનદાર ફીફટી

ભારતે પ્રથમ બંને મેચને જીતી લઇને ટ્રોફી પહેલાથી જ પોતાના નામે કરી લીધી હતી, આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ સામે 3-0 થી સિરીઝ જીતી હતી.

IND vs SL: શ્રીલંકાના પણ કર્યા સુપડા સાફ, ભારતે વેસ્ટ ઇન્ડિઝ બાદ વધુ એક T20 સિરીઝ 3-0 થી જીતી, શ્રેયસની શાનદાર ફીફટી
Shreyas Iyer નુ શાનદાર અર્ધશતક
| Edited By: | Updated on: Feb 27, 2022 | 10:31 PM

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે T20 સિરીઝ રમાઇ હતી. રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાનીમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ બાદ શ્રીલંકાના પણ સુપડા સાફ કરી દીધા છે. વન ડે અને ટી20 સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યુ હતુ. ત્યારબાદ ભારત પ્રવાસે આવેલ શ્રીલંકાની ટીમને પણ 3-0 થી સિરીઝમાં પરાજીત કરીને વધુ એક શ્રેણીને ભારતે શાનદાર રીતે જીતી લીધી છે. શ્રેયસ અય્યરે (Shreyas Iyer) જબરદસ્ત પ્રદર્શન જારી રાખતા વધુ એક અર્ધશતકીય ઇનીંગ રમી હતી. 16.5 ઓવરમાં જ ભારતે ટાર્ગેટ ચેઝ કરી લીધુ હતુ.

ટોસ જીતીને શ્રીલંકાએ પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતીય બોલરોએ શ્રીલંકન બેટ્સમેનોને નિયંત્રણમાં રાખ્યા હતા અને જેને લઇને શ્રીલંકાએ 5 વિકેટ ગુમાવીને 146 રનનો સ્કોર કર્યો હતો. કેપ્ટન દાશુન શનાકાએ લડત આપતા 38 બોલમાં 74 રનની અણનમ ઇનીંગ રમી હતી. આ દરમ્યાન તેણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા.

જવાબમાં શ્રેયસ અય્યરે શાનદાર અર્ધશતકીય ઇનીંગ રમીને શ્રીલંકાની લાજ બચાવવાની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતુ. આ પહેલા શ્રીલંકાએ ભારતીય ઓપનીંગ જોડીને ઝડપથી તોડી દીધી હતી. રોહિત શર્માને ચમિરાએ આઉટ કરી દઇ 5 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત મોકલ્યો હતો. ત્યાર બાદ સંજુ સેમસન અને શ્રેયસ અય્યરે રમતને સંભાળી હતી. પરંતુ 51 રનના સ્કોર પર સેમસન પણ આઉટ થયો હતો. ત્યાર બાદ દિપક હુડ્ડા એ શ્રેયસને સાથ પુરાવતી રમત રમી હતી. તેણે 1 ચોગ્ગો અને 1 છગ્ગા સાથે 21 રન ફટકાર્યા હતા. બાદમાં વેંકટેશ અય્યર માત્ર 5 રનનુ યોગદાન આપીને પરત ફર્યો હતો. તેણે બેફિકર શોટ રમતા વિકેટ ગુમાવી દીધી હતી.

શ્રેયસ અને રવિન્દ્રની જોડીએ ફરી જમાવટ કરી

જાડેજા અને શ્રેયસ અય્યરે રમતને આગળ ધપાવી હતી અને ભારતને જીત તરફ આગળ વધાર્યુ હતુ. બંને અંત સુધી અણનમ રહીને ભારતીય ટીમને જીત અપાવી હતી. શ્રેયસે 9 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 45 બોલમાં 73 રન કર્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 15 બોલમાં 22 રન ફટકાર્યા હતા. અંતમાં શ્રેયસે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.

શ્રીલંકન બોલરો પરેશાન

ભારતીય બેટ્સમેનો સામે જાણે કે સિરીઝની શરુઆતથી જ શ્રીલંકન બોલરો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. લખનૌ બાદ શનિવારે ધર્મશાળામાં શ્રેયસ અને જાડેજાની જોડીએ પણ રહી સહી કસર પુરી કરી હતી. બાદમાં રવિવારે પણ આ જોડીએ જમાવટ કરીને બોલરોને હંફાવીને ટીમને જીત અપાવી હતી. શ્રીલંકાના લાહીરુ કુમારાએ 39 રન 3.5 ઓવરમાં ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ચામિકા કરુણારત્ને અને દુષ્મંતા ચામિરાએ એક એક વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચોઃ IND vs SL: ભારતીય ટીમની બસમાંથી કારતુસ મળી આવતા ખળભળાટ, મોહાલી ટેસ્ટ માટે કોહલી સહિતના ખેલાડી ચંદીગઢ પહોંચ્યા છે

આ પણ વાંચોઃ Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય

 

Published On - 10:22 pm, Sun, 27 February 22