
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)ની ટીમો હવે 14 ઓક્ટોબરે વર્લ્ડ કપ 2023માં ટકરાશે. અગાઉ બંને વચ્ચેની આ મેચ 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાવાની હતી, પરંતુ ICCએ તેની તારીખ બદલી નાખી છે. હવે વર્લ્ડ કપ (World Cup 2023)ની આ હાઈવોલ્ટેજ મેચ 24 કલાક પહેલા રમાશે. ક્રિકેટના ઈતિહાસમાં આવું પાંચમી વખત બનશે, જ્યારે 14મીએ બંને વચ્ચે ODI મેચ રમાશે.
આ પહેલા 14મીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયા 2 વખત અને પાકિસ્તાન 2 વખત જીત્યું હતું. ODI ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 132 મેચ રમાઈ હતી, જેમાં ભારતે 55 મેચ જીતી હતી, જ્યારે પાકિસ્તાને 73 મેચ જીતી હતી. 4 મેચનું પરિણામ આવ્યું નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી 132 ODIમાંથી 4 મેચ 14 તારીખે રમાઈ હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14મીએ પ્રથમ મેચ વર્ષ 1997માં રમાઈ હતી. 14 સપ્ટેમ્બર 1997ના રોજ, ભારતે ટોરોન્ટોમાં પાકિસ્તાન સામે 7 વિકેટથી જીત નોંધાવી હતી. આ પછી પાકિસ્તાને 14 ડિસેમ્બર 1997ના રોજ શારજાહમાં 4 વિકેટથી જીત મેળવીને ભારતથી અગાઉની હારનો હિસાબ સરભર કર્યો હતો. શારજાહમાં જીતના એક મહિના પછી એટલે કે 14 જાન્યુઆરી, 1998ના રોજ ભારતે ઢાકામાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. શારજાહની જીતના વર્ષો બાદ 14મી જૂન 2008ના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે મીરપુરમાં ટકરાઈ હતી જેમાં પાકિસ્તાનનો 25 રનથી વિજય થયો હતો.
14 જૂન 2008 બાદ હવે 14 ઓક્ટોબર 2023એ ફરી એકવાર હાઈવોલ્ટેજ મેચ રમાશે. આ તારીખે રમાયેલ મેચ સાથે એક વિચિત્ર સંયોગ બને છે. બંને દેશો વચ્ચેની 14મી તારીખની છેલ્લી ચાર મેચોમાં પ્રથમ મેચ ભારત જીત્યું હતું તો બીજી મેચ પાકિસ્તાને જીતી છે. જ્યારે ત્રીજી મેચ ભારતે જીતી હતી અને ચોથી મેચ ફરી પાકિસ્તાન જીત્યું હતું. આવા સંજોગમાં 14મી તારીખે પાંચમી વખતની ટક્કરમાં આ વખતે ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.