
ભારતીય ટીમે ઓકલેન્ડના મેદાન પર શાનદાર વિજય મેળવ્યો હતો. પહેલા બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું, અને પછી શુભમન ગિલ અને વિરાટ કોહલીની બેટિંગને કારણે ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લીધી હતી. અર્શદીપ સિંહે ચાર વિકેટ લીધી અને વિરાટ કોહલીએ 51 બોલમાં 74 રન બનાવ્યા, પરંતુ મેચનો હીરો અંશુલ કંબોજ રહ્યો હતો. આ ફાસ્ટ બોલરે મેચમાં ફક્ત બે વિકેટ લીધી છતાં તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. ચાલો જાણીએ આવું કેમ થયું?
અંશુલ કંબોજની કરકસરભરી ઓછા રન આપતી ચુસ્ત બોલિંગ તેના પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવાનું મુખ્ય કારણ હતી. તેણે 10 ઓવરમાં માત્ર 22 રન આપ્યા હતા અને 2 વિકેટ લીધી હતી. તેની બોલિંગ એટલી પ્રભાવશાળી હતી કે તેણે 46 બોલમાં એક પણ રન આપ્યો ન હતો. ઓકલેન્ડમાં કંબોજે તેની શોર્ટ-ઓફ-લેન્થ બોલિંગથી કિવી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા હતા. અંશુલ કંબોજે મિશેલ સેન્ટનર અને નાથન સ્મિથને આઉટ કર્યા હતા.
અંશુલ કંબોજે ગયા મહિને વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં અંશુલ કંબોજ સુપર ફ્લોપ રહ્યો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 82 રન આપ્યા હતા અને તેને એક પણ વિકેટ મળી નહોતી. ન્યુઝીલેન્ડ સામે હવે તેને બીજી તક આપવામાં આવી અને તેણે પોતાની બીજી જ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
અંશુલ કંબોજ માત્ર બે વિકેટ સાથે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થનારા ફક્ત સાતનો ભારતીય બોલર છે. આ પહેલા જસપ્રીત બુમરાહને પણ બે વિકેટ લેવા બદલ બે વાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. અનિલ કુંબલે બે વિકેટ લઈ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવનાર પ્રથમ બોલર હતો. કુંબલેએ 1990માં ઈંગ્લેન્ડ સામેની વનડેમાં બે વિકેટ લીધી હતી.
મેચની વાત કરીએ તો, ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરીને 185 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડના તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા, કોઈ ફિફ્ટી પણ ના ફટકારી શક્યો. ટિમ સીફર્ટ 38 રન સાથે સૌથી વધુ ર્ણન બનાવનાર બેટ્સમેન હતો. ગ્લેન ફિલિપ્સે 30 રન બનાવ્યા હતા. જ્યારે 11મા ક્રમે બેટિંગ કરતા બ્લેર ટિકનરે 34 રન બનાવીને ન્યુઝીલેન્ડને 185 રન સુધી પહોંચાડ્યું હતું. ત્યારબાદ ભારતની શરૂઆત ખરાબ રહી હતી, જેમાં રોહિત શૂન્ય રન પર આઉટ થયો હતો. જોકે, ત્યારબાદ વિરાટ કોહલી અને કેપ્ટન ગિલે 104 બોલમાં 113 રનની ભાગીદારી કરીને ભારતને આસાન જીત અપાવી હતી.