ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે 25 નવેમ્બરથી કાનપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ (Kanpur Test) રમાશે. આ માટે બંને ટીમના ખેલાડીઓ કાનપુર પહોંચી ગયા છે. ભારતની ટેસ્ટ ટીમમાં પસંદ કરાયેલા કેટલાક ખેલાડીઓ પહેલાથી જ કાનપુરમાં હતા, જ્યારે કેટલાક T20 ટીમનો ભાગ હતા, તેઓ કોલકાતામાં છેલ્લી T20 રમ્યા બાદ સોમવારે ન્યૂઝીલેન્ડની ટીમ સાથે કાનપુર પહોંચ્યા હતા.
જો કે, કાનપુર પહોંચતા જ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમોના કાફલામાં કંઈક એવું બન્યું જેના કારણે સનસનાટી મચી ગઈ. મીડિયા અહેવાલ મુજબ, એરપોર્ટથી હોટલ તરફ જતી વખતે બહારનું વાહન ભારત-ન્યૂઝીલેન્ડ ટીમના કાફલામાં ઘૂસ્યુ હતુ.
કાનપુર પહોંચતા જ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ એરપોર્ટથી હોટલ તરફ જઈ રહી હતી ત્યારે ટીમના કાફલામાં એક કાળા રંગની XUV કાર આવી. કાફલામાં કાળા રંગની XUVની અચાનક એન્ટ્રી થતાં અફરાતફરી મચી ગઇ હતી. સુરક્ષા જવાનો પણ અચાનક કાર ઘૂસી આવવાથી એલર્ટ મોડ પર આવી ગયા હતા. પરંતુ, જ્યારે તેણે તે કારને અટકાવી, ત્યારે ખોદ્યો ડુંગર અને નિકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો હતો. જાણવા મળ્યું કે તે કાર પણ ટીમ હોટલ જઈ રહી છે અને તેમાં BCCI ના કેટલાક અધિકારીઓ પણ છે.
પ્રથમ ટેસ્ટ માટે ભારતના 5 ખેલાડીઓ સહિત ન્યૂઝીલેન્ડની આખી ટીમ સોમવારે બપોરે 2:25 વાગ્યે વિમાન દ્વારા કાનપુર પહોંચી હતી. ચકેરી એરપોર્ટ પરથી ઉતર્યા બાદ બંને ટીમના ખેલાડીઓ સપોર્ટ સ્ટાફ અને તેમના કોચ સાથે બાયો બબલ સર્કલની ટીમ હોટલ જવા રવાના થયા હતા. બંને ટીમના ખેલાડીઓ માટે અલગ-અલગ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સોમવારે કાનપુર પહોંચેલા 5 ખેલાડીઓમાં કેએલ રાહુલ, અક્ષર પટેલ, શ્રેયસ ઐયર, આર અશ્વિન અને મોહમ્મદ સિરાજ હતા. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત બેટિંગ અને બોલિંગ કોચ પણ તેમની સાથે સામેલ હતા.
T20 સીરીઝ હાર્યા બાદ ન્યુઝીલેન્ડની ટીમ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમવા કાનપુર પહોંચી હતી. આમ છતાં તેમના ઉત્સાહમાં કોઈ કમી નહોતી. એરપોર્ટ પર ઉતર્યા બાદ તે સ્થાનિક લોકો સાથે સેલ્ફી લેતા અને ફોટો ક્લિક કરતા જોવા મળ્યા હતા. જેમાં કેન વિલિયમ્સન, ટોમ લેથમ, ડેરેલ મિશેલ, ટોમ બ્લંડેલ, હેનરી નિકોલ્સ, રોસ ટેલર, વિલિયમ યંગ, રચિન રવિન્દ્ર, ટિમ સાઉથી, કાયલ જેમિસન, નીલ વેગનર, મિશેલ સેન્ટનર, એજાઝ પટેલ, વિલ સમરવિલે અને ગ્લેન ફિલિપ્સનું નામ સામેલ હતું.
Published On - 9:38 am, Tue, 23 November 21