5 મેચમાં 18 રન બનાવનાર ખેલાડીના પિતાએ બનવડાવ્યું હતું લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, જાણો આજે કોણ છે માલિક?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ સૌથી જૂના ક્રિકેટ સ્ટેડિયમમાંથી એક છે, જે એક ક્રિકેટરના પિતા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમ તેના ઈતિહાસ માટે ખૂબ પ્રખ્યાત છે.

5 મેચમાં 18 રન બનાવનાર ખેલાડીના પિતાએ બનવડાવ્યું હતું લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, જાણો આજે કોણ છે માલિક?
Lord's Cricket Ground
Image Credit source: Getty Images
| Updated on: Jul 08, 2025 | 9:49 PM

‘ક્રિકેટના મક્કા’ તરીકે ઓળખાતું લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ વિશ્વ ક્રિકેટનું સૌથી પ્રખ્યાત મેદાન છે. લંડનના સેન્ટ જોન્સ વુડમાં બનેલું આ ઐતિહાસિક મેદાન તેની સુંદરતા, ઢાળવાળી પિચ અને તેના ઈતિહાસ માટે ખૂબ ફેમસ છે. આ મેદાન એક ક્રિકેટરના પિતા દ્વારા બનાવવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે તેઓ પણ એક ક્રિકેટર હતા. પરંતુ તેમની સૌથી મોટી છાપ ખેલાડી તરીકે નહીં પણ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના સ્થાપક તરીકે હતી.

લોર્ડ્સનું મેદાન કોણે બનાવડાવ્યું?

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની સ્થાપના 1787માં યોર્કશાયરના ક્રિકેટર થોમસ લોર્ડ દ્વારા કરવામાં આવી હતી. થોમસ લોર્ડ એક બોલર હતા. થોમસ લોર્ડે પોતાની કારકિર્દીમાં કુલ 59 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી અને 148 વિકેટ લીધી હતી. ખાસ વાત એ છે કે તેમના પુત્રનું નામ પણ થોમસ લોર્ડ હતું, જેણે ફક્ત 5 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી અને માત્ર 18 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, તેણે આ 5 મેચમાં ફક્ત 1 વિકેટ લીધી હતી.

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનો ઈતિહાસ

1787માં, લોર્ડે લંડનના મેરીલેબોનમાં ડોર્સેટ ફિલ્ડ્સ (ડોર્સેટ સ્ક્વેર) ખાતે પહેલું લોર્ડ્સ ગ્રાઉન્ડ બનાવ્યું. તે ‘લોર્ડ્સ ઓલ્ડ ગ્રાઉન્ડ’ તરીકે જાણીતું બન્યું. જોકે, આ ગ્રાઉન્ડ લાંબો સમય ટકી શક્યું નહીં. 1809માં આ ગ્રાઉન્ડને લિસન ગ્રોવ (રીજન્ટ્સ પાર્ક) માં ટ્રાન્સફર કરવું પડ્યું, જેને ‘લોર્ડ્સ મિડલ ગ્રાઉન્ડ’ કહેવામાં આવતું હતું. પરંતુ 1813માં રીજન્ટ્સ કેનાલના કામ માટે જમીન સંપાદિત કરવામાં આવી. આ પછી, લોર્ડે સેન્ટ જોન્સ વુડમાં ત્રીજું ગ્રાઉન્ડ બનાવ્યું, જે આજે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ છે.

પહેલી આંતરરાષ્ટ્રીય મેચ 1884માં રમાઈ

આ નવા મેદાનનું ઉદ્ઘાટન 22 જૂન 1814ના રોજ થયું હતું, જ્યારે મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)એ હર્ટફોર્ડશાયર સામે તેની પહેલી મેચ રમી હતી. આ મેદાન પર પહેલી આંતરરાષ્ટ્રીય મેચ 21 જુલાઈ 1884ના રોજ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ આજે 31,100 દર્શકોની ક્ષમતા ધરાવતું આધુનિક સ્ટેડિયમ છે, જેમાં રમવું એ દરેક ખેલાડીનું સ્વપ્ન છે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમવાની છે. જ્યાં ભારતના ઘણા ખેલાડીઓ પહેલીવાર આ સ્ટેડિયમમાં રમશે.

હવે લોર્ડ્સના માલિક કોણ છે?

હાલમાં, લોર્ડ્સ સ્ટેડિયમ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ની માલિકીનું છે. MCCની સ્થાપના 1787માં થઈ હતી. તે ફક્ત લોર્ડ્સનું જ માલિક નથી, પરંતુ ક્રિકેટના નિયમોનું રક્ષક પણ રહ્યું છે. 1788માં MCCએ ક્રિકેટના પ્રથમ લેખિત નિયમો જારી કર્યા. ક્રિકેટમાં જે પણ નિયમો આવે છે તે મેરીલેબોન ક્રિકેટ ક્લબ દ્વારા બનાવવામાં આવે છે. aa સિવાય MCC લોર્ડ્સને ક્રિકેટ જગતના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે રાખવા માટે સતત વિકાસ કાર્ય પણ કરે છે, જેના કારણે આ સ્ટેડિયમ વિશ્વના સૌથી સુંદર ક્રિકેટ સ્ટેડિયમમાંનું એક પણ છે.

આ પણ વાંચો: યુઝવેન્દ્ર ચહલની કથિત ગર્લફ્રેન્ડ આરજે મહવાશે ક્રિકેટ ટીમ ખરીદી, આ લીગમાં લગાવ્યો દાવ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:48 pm, Tue, 8 July 25