ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે માન્ચેસ્ટર (Manchester) માં રમાનારી 5 મી ટેસ્ટ તેના સમયપત્રક મુજબ હશે. ટીમના બીજા ફિઝિયો યોગેશ પરમાર પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ છેલ્લી ટેસ્ટ મેચ શંકાઓથી ઘેરાયેલ હતી. ટીમ ઈન્ડિયાએ ગુરુવારે તેનું ટ્રેનિંગ સેશન પણ રદ કર્યું હતું. પરંતુ, આ પછી ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જેના બાદ સારી વાત એ છે કે 5 મી ટેસ્ટ મેચ શિડ્યૂલ મુજબ થતી જોઈ શકાય છે.
ટીમ ઇન્ડિયાના બીજા ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ આવે તે પહેલા, ટીમના સપોર્ટ સ્ટાફના ચાર સભ્યો કોરોના સંક્રમિત થયા હતા, જે હાલમાં 14 દિવસના ક્વોરન્ટાઇનમાં છે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઉપરાંત બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ટીમના અન્ય ફિઝિયો સામેલ હતા. આ બધાની સાથે હવે યોગેશ પરમારને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. નસીબે સારી વાત એ છે કે ટીમનો કોઈ પણ ખેલાડી કોરોનાની ઝપેટમાં નથી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરમાં રમાવાની છે. માન્ચેસ્ટર પણ ઇંગ્લેન્ડના તે કિલ્લાઓમાંનું એક છે, જ્યાં ટીમ ઇન્ડિયાએ આજ સુધી એક પણ ટેસ્ટ જીતી નથી. ભારતીય ટીમે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર 9 ટેસ્ટ મેચ રમી છે. પરંતુ, વિજય અત્યાર સુધી તેની બેગથી દૂર રહ્યો છે. ભારતે આ 9 માંથી 4 ટેસ્ટ હારી છે. જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ ડ્રો રહી છે.
એટલે કે, જો 50 વર્ષ બાદ ઓવલ જીતનાર ટીમ ઇન્ડિયાએ માન્ચેસ્ટરમાં જીતનું ખાતું ખોલવું પડે. ભારતે શ્રેણી 3-1 થી કબજે કરવી હોય તો તેણે આ મેદાન પર તેનો ઇતિહાસ બદલવો પડશે. વિરાટ કોહલીની સેનાએ ઓલ્ડ ટ્રેફોર્ડમાં તેમની 10 મી ટેસ્ટમાં પ્રથમ જીતનો સ્વાદ ચાખવો પડશે.
5 ટેસ્ટ મેચોની સિરીઝમાં ટીમ ઇન્ડીયા હાલમાં 2-1 થી આગળ છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ પરિણામ વિના પુર્ણ થઇ હતી. તેના બાદ લોર્ડઝ ટેસ્ટમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. જ્યારે હેડિંગ્લેમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ ઇંગ્લેન્ડે જીતી હતી. તો ફરીથી પલટવાર કરતા ઓવલની બાજી વિરાટ સેનાએ પોતાના નામે કરી લીધી હતી. આમ ભારતીય ટીમ 2-1 થી સિરીઝમાં આગળ છે.