
ટીમ ઈન્ડિયાને માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ઇનિંગ ગુમાવવાનો ભય છે. ટીમ ઈન્ડિયાના પ્રથમ દાવમાં 358 રનના જવાબમાં, ઈંગ્લેન્ડે તેમની પ્રથમ દાવમાં 669 રન બનાવ્યા હતા. આ રીતે, તેઓએ મુલાકાતી ટીમ પર 311 રનની મોટી લીડ મેળવી લીધી હતી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં, ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવીને 174 રન બનાવી લીધા છે. તેઓ હજુ પણ 137 રન પાછળ છે.
કેપ્ટન શુભમન ગિલ 78 અને કેએલ રાહુલ 87 રન બનાવીને રમી રહ્યા છે. આ દરમિયાન, બેટિંગ કોચે ઈજાથી પીડાતા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત વિશે મોટી વાત કહી છે. તેમણે ચાહકોને ખાતરી આપી છે કે પંતને તેના તૂટેલા પગની કોઈ પરવા નથી.
ચોથા દિવસની રમત સમાપ્ત થયા પછી, ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાશુ કોટકે ઋષભ પંત વિશે મોટો ખુલાસો કર્યો. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “ઋષભ પંત મેચના છેલ્લા દિવસે બેટિંગ કરશે”. તેમણે કહ્યું કે જો ટીમ મુશ્કેલીમાં મુકાશે તો પંત બેટિંગ કરવા માટે મેદાનમાં આવશે.
માન્ચેસ્ટર ટેસ્ટ મેચના પહેલા દિવસે, ઋષભ પંતના પગના અંગૂઠામાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે ઈજા પહોંચાડી હતી. જેનાથી તેનો અંગૂઠો ફ્રેક્ચર થયો છે અને ડોક્ટરે તેને 6 અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. આમ છતાં, તે મેચના બીજા દિવસે બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યો હતો.
માન્ચેસ્ટર ટેસ્ટ મેચના બીજા દિવસે શાર્દુલ ઠાકુર આઉટ થયા પછી, ટીમનો ઉપ-કપ્તાન ઋષભ પંત બેટિંગ કરવા આવ્યો. આ દરમિયાન, પ્રેક્ષકોએ તાળીઓથી તેમનું સ્વાગત કર્યું. તેણે 37 રનની પોતાની અધૂરી ઇનિંગ આગળ ધપાવી અને 54 રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન તેણે જોફ્રા આર્ચરના બોલ પર એક જોરદાર સિક્સર પણ ફટકારી. હવે તે માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે બેટિંગ કરવા આવી શકે છે.
આ દરમિયાન ટીમ ઇન્ડિયાને ઇનિંગ હારથી બચવા માટે હજુ 137 રન બનાવવા પડશે. બધાની આશા કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલ પર ટકેલી છે. યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન પહેલી ઓવરમાં આઉટ થયા બાદ ચોથા દિવસે ટીમને કોઈ નુકસાન થવા દીધું નહીં.
Published On - 4:03 pm, Sun, 27 July 25