ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England) વચ્ચે ગયા મહિને રમાયેલી ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સંઘર્ષ અને લગભગ 42 દિવસની ચર્ચાઓ બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ રદ થયેલી માન્ચેસ્ટર ટેસ્ટ ફરીથી રમવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હવે આવતા વર્ષે એટલે કે જુલાઈ 2022 માં બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાશે.
એટલું જ નહીં, ટેસ્ટ શ્રેણીનું પરિણામ પણ આ મેચ બાદ જ નક્કી થશે. પ્રથમ ચાર મેચમાં બે જીત બાદ ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. ECB એ શુક્રવાર, 22 ઓક્ટોબરના રોજ એક નિવેદન બહાર પાડીને નવા અપડેટ વિશે માહિતી આપી હતી. આ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.
ટેસ્ટ મેચ રદ્દ થયા બાદથી, ભારતીય બોર્ડ અને ઇંગ્લીશ બોર્ડ વચ્ચે તેના ફરી આયોજન અને શ્રેણીનું પરિણામ નક્કી કરવા અંગે સતત ચર્ચા ચાલી રહી હતી. હવે લગભગ દોઢ મહિનાની રાહ જોયા બાદ તે સહમત થયા છે. ભારતીય ટીમે આવતા વર્ષે વનડે અને T20 શ્રેણી માટે જુલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે,અને તે પ્રવાસ હવે ટેસ્ટ મેચથી શરૂ થશે. આ મેચ 1 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન એજબેસ્ટન મેદાન પર રમાશે.
આ મુદ્દે બંને બોર્ડ વચ્ચે કરાર થયા બાદ શુક્રવાર 22 ઓક્ટોબરના રોજ આ નિર્ણય વિશે માહિતી આપી હતી. ECB એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડ પુરુષ અને ભારતીય પુરુષ ટીમ વચ્ચે LV ઇન્સ્યોરન્સ ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચનું શેડ્યૂલ જે જુલાઈ 2022 માં રમાશે. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ વચ્ચેની સહમતી બાદ નિર્ણાયક ટેસ્ટ 1 જુલાઈ 2022 થી એજબેસ્ટન (બર્મિંગહામ) ખાતે રમાશે.
The fifth match of our Men’s LV= Insurance Test Series against India has been rescheduled and will now take place in July 2022.
— England Cricket (@englandcricket) October 22, 2021
ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. ઓવલ ખાતે ઈંગ્લેન્ડ દ્વારા આયોજીત આ ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં ભારતીય ટીમે વિજય સાથે શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી. આ ટેસ્ટ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને તેના સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યો કોરોના સંક્રમણમાં સપડાયા હતા.
આ પછી, છેલ્લી ટેસ્ટ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં શરૂ થવાની હતી. પરંતુ તેના એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયાના જુનિયર ફિઝિયોને પણ ચેપ લાગ્યો હતો. તેના કારણે મેચના દિવસના બે કલાક પહેલા ટેસ્ટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ત્યારથી, બંને બોર્ડ જે ટેસ્ટ અંગે નિર્ણય લેવા માટે બોર્ડ વચ્ચે ચર્ચા કરી રહ્યા હતા. ECB ને ટેસ્ટ મેચ રદ્દ થવાને કારણે મોટું આર્થિક નુકસાન થવાની આશંકા છે. ECB એ આ મુદ્દો ઉકેલવા માટે ICC નો સંપર્ક પણ કર્યો હતો, કારણ કે આ શ્રેણી ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. આ દરમિયાન BCCI એ આગામી વર્ષે ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફરી આ મેચ રમવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને હવે આ પ્રસ્તાવ પર સંમતિ આપવામાં આવી છે.
Published On - 6:09 pm, Fri, 22 October 21