માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ત્રણ મેચોની શ્રેણીની આ નિર્ણાયક મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) આ મહત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ ગયો હતો. ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ ભારતીય પ્રશંસકોને આ ખરાબ સમાચાર સંભળાવ્યા હતા. બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રોહિતની જાહેરાત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ જણાવ્યું કે જસપ્રિત બુમરાહ માટે વાસ્તવિક સમસ્યા શું છે.
ODI સિરીઝની પહેલી જ મેચમાં 6 વિકેટ લઈને ખળભળાટ મચાવનાર બુમરાહને પીઠ જકડાઈ જવાને કારણે આ મેચમાંથી બહાર બેસવું પડ્યું હતું. બીસીસીઆઈએ મેચ પહેલા એક ટ્વિટ દ્વારા અપડેટ જારી કર્યું અને કહ્યું, જસપ્રીત બુમરાહ પીઠ જકડાઈ જવાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. અર્શદીપ સિંહની પસંદગી માટે પણ વિચારણા કરવામાં આવી ન હતી કારણ કે તે હજુ સુધી એબડોમિનના ખેંચાણથી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી.
Jasprit Bumrah was ruled out of this game owing to back spasms. Arshdeep Singh was not considered for selection as he is yet to fully recover from right abdominal strain.#ENGvIND
— BCCI (@BCCI) July 17, 2022
આ રીતે બુમરાહનો ઈંગ્લેન્ડ પ્રવાસ છેલ્લી મેચ પહેલા સમાપ્ત થઈ ગયો. હવે સવાલ એ છે કે શું બુમરાહની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાને નુકસાન થવુ જોઈએ. તેણે સિરીઝની પ્રથમ બે મેચમાં સારો દેખાવ કર્યો હતો. ઓવલ ખાતેની પ્રથમ મેચમાં બુમરાહે માત્ર 19 રનમાં 6 વિકેટ ઝડપી હતી, જે ઈંગ્લેન્ડ સામે ભારત માટે રેકોર્ડ પ્રદર્શન છે. તે મેચમાં ભારતે ઈંગ્લેન્ડને માત્ર 110 રનથી હરાવીને 10 વિકેટે મેચ જીતી લીધી હતી. બીજી વનડેમાં પણ બુમરાહે ઇકોનોમી બોલિંગ કરતા 1 વિકેટ લીધી હતી. જોકે, ટીમે લોર્ડ્સમાં પરાજયનો સામનો કર્યો હતો.
જો કે, બુમરાહની આ ઈજા એવા સમયે આવી છે જ્યારે તેની પાસે તેમાંથી બહાર આવવા માટે પૂરતો સમય હશે કારણ કે બુમરાહે આગામી એક મહિના સુધી વધુ ક્રિકેટ રમવાની નથી. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે અને ટી20 સીરીઝ રમવાની છે, જેમાં બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તે ઓગસ્ટના અંતમાં શરૂ થઈ રહેલા એશિયા કપ માટે ફિટ થઈ શકશે.
Published On - 4:32 pm, Sun, 17 July 22