IND vs ENG: ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત (Indian Cricket Team) ને હારનો સામનો કરવો પડ્યો હતો. લીડઝ ટેસ્ટ (Leeds Test) માં યજમાન ટીમે પ્રથમ દિવસથી જ પોતાનું વર્ચસ્વ બતાવ્યું અને ભારતને બેકફૂટ પર રાખ્યું હતું. ઇંગ્લેન્ડે (England) ત્રીજી મેચમાં ભારતને એક ઇનિંગ્સ અને 76 રનથી હરાવીને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબરી કરી હતી.
ભારતે જે રીતે આ મેચમાં પ્રદર્શન કર્યું તે જોઈને લાગ્યું નહીં કે આ તે ટીમ છે, જેણે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડના નાક નાકમાં દમ રાખી દીધો હતો. હવે ત્રીજી મેચ બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને દિગ્ગજો ભારતીય ટીમ (Team India) ને લઈને ઘણી સલાહ આપી રહ્યા છે. ભારતના પૂર્વ કેપ્ટન અને પૂર્વ મુખ્ય પસંદગીકાર દિલીપ વેંગસરકરે ચોથી ટેસ્ટ મેચ પહેલા ટીમમાં ફેરફારની વાત કરી છે. વેંગસરકરનું કહેવું છે કે બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ચોથી ટેસ્ટમાં રમાડવા જોઈએ.
વેંગસરકરે મીડિયા રીપોર્ટસમાં કહ્યું, હું માનું છું કે આપણે સૂર્યકુમારને સામેલ કરીને આપણી બેટિંગ લાઇનઅપને મજબૂત કરવી જોઈએ. આપણને નંબર 6 પર મજબૂત બેટ્સમેનની જરૂર છે. તે સારા ફોર્મમાં છે અને ભારતને મદદ કરી શકે છે. વધારે મોડું થાય તે પહેલા તેને ઇલેવનમાં સામેલ કરવો જોઇએ.
અશ્વિન અંગે, વેંગસરકરે કહ્યું છે કે તે ભારતનો શ્રેષ્ઠ સ્પિનર છે અને તે ટીમમાં હોવો જોઈએ. તેણે કહ્યું, હું ઈચ્છું છું કે અશ્વિનને ટીમમાં લેવામાં આવે. તમે અશ્વિનને ઇલેવનની બહાર કેવી રીતે રાખી શકો? તે અત્યારે ટેસ્ટ ક્રિકેટમાં અમારો શ્રેષ્ઠ સ્પિનર છે. આ એવી કેટલીક બાબતો છે, જેની ટીમે ચોથી ટેસ્ટ પહેલા બેસીને ચર્ચા કરવી જોઈએ.
જ્યારે પૂછવામાં આવ્યું કે કયા ખેલાડીને પડતો મૂકવો જોઈએ, ત્યારે ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું, તે ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર કરે છે. તેઓ શું વિચારે છે કે કોણે ના રમવું જોઈએ. પરંતુ હું સલાહ આપીશ કે સૂર્યકુમાર અને અશ્વિનને ઇલેવનમાં સામેલ કરવા જોઇએ.
વેંગસરકરે ઇંગ્લીશ બોલરોની પ્રશંસા કરી હતી, તેમણે બંને ઇનિંગ્સમાં ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. વેંગસરકરે કહ્યું, આપણે સ્વીકારવું પડશે કે તેમણે શાનદાર બોલિંગ કરી હતી. પ્રથમ અને બીજા દાવમાં તેમણે અમારા બેટ્સમેનોને પછાડ્યા હતા.