ભારતીય ટીમ (Team India) બુધવારથી હેન્ડિંગ્લે (Headingley) ખાતે ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટની શ્રેણીની ત્રીજી મેચ રમવા જઈ રહી છે. ભારત આ શ્રેણીમાં 1-0થી આગળ છે. શ્રેણીની પ્રથમ મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી. લોર્ડ્સ ખાતેની બીજી મેચમાં ભારતે 151 રનથી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટમાં પણ જીતની નજીક હતી. પરંતુ તેની નજીક આવ્યા બાદ તે જીત ચૂકી ગઈ હતી. ચાર દિવસની શાનદાર રમત બાદ છેલ્લા દિવસે વરસાદ ભારતને વિજયથી દૂર લઇ ગયો હતો. હવે ભારતીય ટીમ શ્રેણીમાં અજેય લીડ લેવા માટે હેડિંગ્લે ઉતરશે, પરંતુ ફરી એક વખત વરસાદની ભૂમિકા મહત્વની રહેશે.
ટ્રેન્ટ બ્રિજ મેચ દરમ્યાન વરસાદે ભારતની રમત બગાડી હતી, પરંતુ લોર્ડ્સમાં એવું થયું ન હતું. લોર્ડ્સમાં વરસાદ નહોતો વરસ્યો અને ભારતે મેચ જીતી લીધી હતી. હેડિંગ્લે ઓવલ ખાતે લીડ્સમાં હવામાન કેવું રહેશે તેના પર ક્રિકેટ ચાહકોની નજર છે. યુનાઇટેડ કિંગ્ડમની હવામાન કચેરીએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, હેડિંગ્લે દિવસના મોટાભાગના દિવસો વાદળછાયું રહેશે. પરંતુ મેચ દરમિયાન વરસાદની ખાસ કોઈ શક્યતા નથી.
લીડ્સમાં તાપમાન 23-13 ડિગ્રી, ભેજ 93-85%, પવનની આગાહી 10-15 કિમી પ્રતિ કલાક રહેવાનુ અનુમાન છે. ટેસ્ટ મેચના પાંચ દિવસોમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થવાનો નથી. જો કે તે જરૂરી નથી કે તે સંપૂર્ણપણે સચોટ હશે. લોર્ડ્સ ટેસ્ટમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી ન હતી, પરંતુ પ્રથમ દિવસે વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી.
ભારત પાસે લીડ્સ ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં અજેય લીડ લેવાની તક હશે. જોકે આ વખતે તે એટલું સરળ રહેશે નહીં. ઈંગ્લેન્ડની ટીમે કેટલાક ફેરફાર કર્યા છે અને કેટલાક મહત્વના ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા છે. ભારત માટે સૌથી મોટો પડકાર ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ હશે જે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.