ટેસ્ટ ક્રિકેટમાં ચેમ્પિયન બનવા માટે ભારતે અંતિમ દિવસે પૂરી તાકાત લગાવવી પડશે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 444 રનનો મોટો પડકાર આપ્યો છે. જેના કારણે ભારત હજુ 280 રન પાછળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટાઇટલ સુધી પહોંચવાનો માર્ગ તેના માટે ચોક્કસપણે મુશ્કેલ બની ગયો છે, પરંતુ તેની પાસે હજુ છેલ્લો દિવસ છે.
વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે ક્રિઝ પર ઉભા છે, જેમણે અંતિમ દિવસે ચમત્કાર કરવો પડશે. ભારતે ટાર્ગેટ હાંસલ કરવો જોઈએ અથવા કોઈ રીતે ફાઈનલ ડ્રો કરી લેવો જોઈએ. ભારત માટે બંને સ્થિતિ સરળ નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારત છેલ્લા દિવસે એટલે કે રવિવારે કઈ રણનીતિ અને ઈરાદા સાથે મેદાનમાં ઉતરે છે.
આ દરમિયાન હવામાન પર પણ નજર રાખવામાં આવશે. આ મેચ ઓવલમાં રમાઈ રહી છે અને લંડનમાં વરસાદની સંભાવના છે, પરંતુ સારા સમાચાર એ છે કે મેચ દરમિયાન વરસાદની શક્યતા ઘણી ઓછી છે. રાત્રે હળવો વરસાદ પડી શકે છે. જોકે આકાશમાં કાળા ડિંબાગ વાદળો રહેશે. દિવસ દરમિયાન આકાશ 67 ટકા વાદળછાયું રહેશે, જ્યારે સાંજે 95 ટકા વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે રાત્રે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોથા દિવસની રમતની વાત કરીએ તો 444 રનના ટાર્ગેટના જવાબમાં ભારતે તોફાની શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ ગિલ કેચ આઉટ થયો હતો. કેમેરોન ગ્રીને સ્કોટ બોલેન્ડના બોલ પર સ્લિપમાં તેનો કેચ પકડ્યો હતો. જોકે તેના કેચ પર હંગામો થયો હતો, કારણ કે ગ્રીને ખૂબ જ ધીમી રીતે કેચ લીધો હતો. હવે બોલ જમીનને અડ્યો કે નહીં તે અંગે હોબાળો થઈ રહ્યો છે.
ગિલના આઉટ થયા બાદ રોહિતને ચેતેશ્વર પૂજારાનો સાથ મળ્યો હતો. બંને વચ્ચે 51 રનની સારી ભાગીદારી પણ થઈ હતી, પરંતુ ત્યારબાદ બંને બેટ્સમેન ખરાબ શોટ રમીને એક પછી એક આઉટ થયા હતા. જે બાદ વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે ક્રિઝ પર સ્થિર થયા હતા. બંને વચ્ચે 71 રનની ભાગીદારી છે. આ જોડીએ ફરી એકવાર ભારતની આશા જગાવી છે.