ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કેપ્ટન અને સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના જ્યારે પણ મેદાનમાં ઉતરે છે, ત્યારે તે એક નવો રેકોર્ડ બનાવે છે. ICC મહિલા વર્લ્ડ કપ 2025 માં સ્મૃતિએ મહિલા ક્રિકેટના ઇતિહાસમાં એક ગજબનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ટીમ ઇન્ડિયાએ રવિવાર, 12 ઓક્ટોબરના રોજ વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી. સ્વાભાવિક રીતે, દરેકનું ધ્યાન મંધાના પર હતું, કારણ કે તેના બેટથી અગાઉની ત્રણ મેચમાં સારા એવા રન નહોતા નીકળ્યા. જો કે, ઓસ્ટ્રેલિયન ટીમની સામે સ્મૃતિ મંધાનાએ પોતાનો જાદુ વિખેર્યો હતો.
મંધાનાએ અગાઉની મેચમાં એક વર્ષમાં સૌથી વધુ ODI રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. મંધાનાએ 8મી ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 18 રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે જ મહિલા ODI ઇતિહાસમાં એક વર્ષમાં 1000 રન બનાવનારી પ્રથમ બેટ્સમેન બની. મંધાનાએ આ વર્ષે માત્ર 18 ઇનિંગ્સમાં 4 સદી અને 4 અડધી સદી ફટકારીને આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધો.
આ વર્લ્ડ કપમાં તેની પહેલી અડધી સદી માત્ર 46 બોલમાં આવી હતી. જો કે, અડધી સદી બાદ મંધાનાએ બીજો એક રેકોર્ડ બનાવ્યો. ભારતીય બેટ્સમેને 58 રન બનાવતાની સાથે જ ODI ક્રિકેટમાં 5,000 રન પણ પૂર્ણ કર્યા હતા. માત્ર 29 વર્ષ અને 86 દિવસની ઉંમરે તે 5,000 રન બનાવનારી સૌથી નાની મહિલા ક્રિકેટર બની. વધુમાં, તે 112 ઇનિંગ્સ અને 5,569 બોલમાં આ આંકડા સુધી પહોંચનારી ખેલાડી પણ બની ગઈ. તેણે વેસ્ટ ઇન્ડીઝની સ્ટેફની ટેલર (129 ઇનિંગ્સ) અને ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ (6182 બોલ) ના રેકોર્ડ તોડ્યા.